નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જે દરમિયાન મહિલા કોંગ્રેસના પ્રમુખ નીતા ડીસુઝા ભાન ભૂલી ગયા. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી તો બસમાં ચઢવા દરમિયાન કોંગ્રેસ મહિલા અધ્યક્ષ નીતા ડીસુઝા પોલીસકર્મીઓ પર થૂંક્યા હતા.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પાછલા સપ્તાહે ત્રણ દિવસની પૂછપરછ બાદ 20 જૂન સોમવારે પણ ઈડીએ રાહુલ ગાંધીને સવાલો પૂછ્યા હતા. રાહુલ ગાંધીની પૂછપરછને લઈને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવી રહ્યાં છે. પરંતુ દિલ્હીમાં આજે એક પ્રદર્શન દરમિયાન પોલીસે અટકાયત કરી તો કોંગ્રેસના મહિલા વિંગના અધ્યક્ષ નીતા ડીસુઝા પોલીસકર્મીઓ પર થૂંકતા જોવા મળ્યા હતા.
સવારે કર્યું હતું શિસ્તમાં રહેવાનું ટ્વીટ
આજે વિશ્વ યોગ દિવસ હતો, એટલે મહિલા કોંગ્રેસના પ્રમુખે એક ટ્વીટ કર્યું હતું. મહિલા કોંગ્રેસે પોતાના ટ્વીટમાં કહ્યું કે, મનને શિસ્તબદ્ધ કરવા માટે યોગ પદ્ધતિમાં અહિંસા, સત્યતા, સંયમનો સમાવેશ થાય છે, તેમ પંડિત નહેરૂએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અહિંસાએ શારીરિક હિંસાથી દૂર રહેવું કંઈક અલગ છે. આપણે આ દ્રેષથી બચવાનું છે.