સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં સ્લેબના પોપડા પડવાની વધુ એક ઘટના ઘટી હતી. રવિવારે રાત્રે એક મકાનની ગેલેરીના સ્લેબમાંથી પોપડા પડતા ત્યાં બેસેલા ત્રણ યુવકોને ગંભીર ઇજા થઇ હતી. ધડાકાભેર મોટા પોપડા પડ્યા હોય સ્થળ ઉપર ભાગદોડ અને અફડાતફડી મચી ગઈ હતી. સ્લેબનાં ટુકડા પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું . જયારે અન્યોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
પાંડેસરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાની ધરમનગર સોસાયટીમાં આવેલ એક મકાન જૂનું અને જર્જરિત થઇ ગયું હતું. રવિવારે રાત્રે દસેક વાગ્યાના અરસામાં સોસાયટીમાં જ રહેતો અજય રમાશંકર સીંગ અને અન્ય બે જણા મકાનની નીચે બેસેલા હતા ત્યારે એકાએક મકાની ગેલેરીના પોપડા ખરવા માંડ્યા હતાં. ગેલેરીના સ્લેબનાં ટુકડા નીચે બેસેલ આ ત્રણે યુવકો ઉપર પડયા હતા જેના લીધે તેમને ઈજાઓ પહોંચી હતી. જ્યારે સ્લેબ પડવાનો આવાજ સાંભળી સ્થાનિકો ડરી ગયા હતા. ઘટનાને પગલે સ્થનિકોમાં ઘબરાટ ફેલાવાની સાથે ભાગદોડ મચી ગઈ હતી.
ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તેમજ ત્રણ પૈકી બે જણાને વધુ ઈજા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ ઉપરના ડોકટરોએ અજય સીંગને મૃત જાહેર કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અજય સીંગને બે સંતાન છે અને વેલ્ડીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈ કાલે રાત્રે તે જમીને ત્યાં મકાનની નીચે બનાવેલ ઓટલા ઉપર બેસવા માટે ગયો હતો અને કાળનો કોળિયો બની ગયો. બનાવને લઈને પોલીસ આગળની વધુ તપાસ કરી રહી છે. આ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મકાનની ગેલેરી જૂની અને જર્જરિત થઇ ગઈ હતી. રાત્રે અચાનક ધડાકાભેર પડી ગઈ હતી. ગેલેરીના સ્લેબનાં ટુકડા એટલા ધડાકા સાથે પડતાં ભૂકંપના આંચકા જેવો એહસાસ થયો હતો. જેના પગલે લોકો ઘબરાઈ ગયા હતા.