પંજાબના જાણીતા પોપ સિંગર અને કોંગ્રેસ તરફથી ગત વિધાનસભાની ચૂંટણી લડેલા નેતા સિદ્ધૂ મૂસેવાલાની રવિવારે સરાજાહેર કરાયેલી હત્યાએ ભારે વિવાદ સર્જયો છે. સિદ્ધૂને લગાતાર ધમકીઓ મળતી હોવા છતાં આપ સરકારે તેની સિક્યૂરિટિ પાછી ખેંચી લીધી હતી. હવે આ કેસમાં ડીજીપી વીકે ભાવરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસ પરથી પરદો ઉંચક્યો હતો. ડીજીપીએ ભાવરાએ કહ્યું કે કેનેડાની લોરેન્સ ગેંગે મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે અને તેમની પર 3 પ્રકારના હથિયારોથી હુમલો થયો હતો.
પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માણસાના જવાહર ગામ પાસે મૂસેવાલા પર ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ મૂસેવાલાને ગંભીર હાલતમાં માણસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મૂસેવાલા સાથે રહેલા અન્ય બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે મૂસેવાલાને ગુંડાઓ તરફથી ધમકીઓ મળી હતી. આમ છતાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને એક દિવસ પહેલા મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે પણ ચૂંટણી લડી હતી. વિજય સિંગલાએ માણસા બેઠક પરથી મુસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા.
17 જૂન, 1993ના રોજ જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલા મનસા જિલ્લાના મુસા વાલા ગામના રહેવાસી હતા. મૂસેવાલાની ફેન ફોલોઇંગ લાખોમાં છે અને તે તેના ગેંગસ્ટર રેપ માટે લોકપ્રિય હતો. સિદ્ધુ મૂસેવાલાની માતા ગામની સરપંચ હતી. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેમણે કોલેજના દિવસોમાં સંગીત શીખ્યું અને બાદમાં કેનેડા ચાલ્યા ગયા.મૂસેવાલાને સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાંના એક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે ખુલ્લેઆમ બંદૂક કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું, ઉશ્કેરણીજનક ગીતોમાં ગુંડાઓનો મહિમા વધાર્યો હતો. મૂસેવાલાને છેલ્લા કેટલાક સમયથી ગેંગસ્ટર દ્વારા ધમકી આપવામાં આવતી હતી. કોંગ્રેસ સરકાર હતી ત્યારે મૂસેવાલાની સુરક્ષા માટે પાંચ કમાન્ડો ફાળવવામાં આવ્યા હતાં. જો કે આપ સરકાર બન્યા બાદ આ સુરક્ષા વ્યવસ્થા ઘટાડી નહીવત કરી દેવાઇ હતી. એવામાં થયેલી આ હત્યાએ રાજકીય રંગ પણ પકડ્યો છે.
ડીજીપી ભાવરાએ જાણકારી આપી છે કે સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. તે સમગ્ર મામલાની તપાસ કરશે. ડીજીપીએ જણાવ્યું કે કેનેડામાં બેઠેલી લોરેન્સ વિશ્નોઇ ગેંગના સભ્ય લકીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. ડીજીપીએ કહ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યામાં ત્રણ અલગ અલગ બોર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીજીપીએ એમ પણ કહ્યું છે કે સિદ્ધુ મુસેવાલા રવિવારે તેમની બુલેટપ્રૂફ કાર તેમની સાથે લઈ ગયા ન હતા. આ સિવાય તેમણે પોતાના બે કમાન્ડો પણ લીધા ન હતા.
ડીજીપીએ આગળ કહ્યું કે સિદ્ધુ મુસેવાલા જાતે કાર ચલાવીને પોતાના ઘરેથી નીકળી ગયા હતા. તેમની સાથે બીજા બે લોકો પણ હતા. જ્યારે તે માણસા જિલ્લામાં મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે તેમની કાર સામે બે કાર આવી હતી. તેમાં બેઠેલા બદમાશોએ મુસેવાલાની કાર પર ગોળીબાર કર્યો હતો. આમાં તેમને ઈજા થઈ હતી. ત્યાર બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઇ અને લકી પટિયાલ વચ્ચેના ગેંગ વોરને કારણે મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈના સહાયક ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી લીધી છે. વિકી મિડદુખેડાની હત્યા 2021 માં કરવામાં આવી હતી. હત્યામાં સંડોવાયેલા ત્રણ બદમાશોને તાજેતરમાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પકડ્યા હતા. ઝડપાયેલા બદમાશોની ઓળખ શાર્પ શૂટર સજ્જનસિંહ ઉર્ફે ભોલુ, અનિલકુમાર ઉર્ફે લઠ અને અજયકુમાર ઉર્ફે સન્ની કૌશલ તરીકે થઈ હતી, જેમને તિહાર જેલમાંથી પંજાબ પોલીસે રિમાન્ડ પર લીધા હતા.