સુરત : શહેરના છેવાડે ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે એક એવો હત્યાકાંડ થયો કે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ગામની માજી સરપંર અને વકીલ એવા યુવકનું કામાંધ પત્નીએ કાળશ કાઢી નાંખ્યું. લંપટ અધિકારી સાથેના લગ્નેતર સંબંધમાં પરોવાયેલી પરિણીતાએ પતિના મોત અંગે એવી કહાની ઘડી કે પોલીસ પણ ગોટે ચઢી હતી. પતિના અંતિમ સંસ્કાર થયા પછી પણ હત્યાની વાત બહાર આવી જ ન હતી, પરંતુ અચાનક થયું એવું કે એ કામાંધ કપલની કરતૂત ખુલ્લી પડી અને પોલીસ કસ્ટડીમાં પહોંચી ગયા હતાં.

મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના પૂર્વ સરપંચ અને વ્યવસાયે વકીલ એવા વિરેન્દ્ર સિંહ સેવાનીયાનું ગત તારીખ ૧૫ના રોજ અચાનક મોત થયું હતું. યુવાન કર્મશીલ યુવકના મોતથી ગામમાં શોક ફેલાયો હતો. કોઇ માનવા તૈયાર ન હતું કે વિરેન્દ્રસિંહ હવે નથી રહ્યા. મામલો ગરમાયો અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. પત્ની ડિમ્પલે પોલીસને જણાવ્યું હતું કે વિરેન્દ્રસિંહ રાતે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું. પોલીસે લાશનું પંચનામું કર્યું અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
ડિમ્પલે સમય, સંજોગો, સ્થિતિનું એ રીતે વર્ણન કર્યું કે કંઇ ખોટું થયાની ગંધ શુધ્ધા પોલીસને આવી ન હતી. વિરેન્દ્રસિંહના અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર તો થયા પરંતુ પરિજનો બેચેની અનુભવતાં હતાં. તેમને ધાબા પરથી પડી જવાની વાત ગળે ઉતરતી ન હતી. સાથે જ આવા સંજોગોમાં ડિમ્પલના વ્યવહારથી કંઇક અજુગતું થયું હોવાનું લાગી રહ્યું હતું, જેથી સમગ્ર બાબતે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી હતી. પરિજનોની આશંકાને લઇ કીમ પોલીસ સાથે સાથે જીલ્લા LCB તેમજ SOG પણ તપાસમાં જોડાઈ હતી. તપાસમાં વિરેન્દ્રસિંહનું મોત અકસ્માત નહીં હત્યા હોવાનો ધટસ્ફોટ થયો હતો.
ઉમરાછી ગામે ગાંધી કુટીરનું સંચાલન કરતી ડીમ્પલ તેમજ અમદાવાદથી આશ્રમની વિઝીટ કરવા આવતા અધિકારી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્મા (ઉ.વર્ષ ૩૨ રહે નવા નિકોલ અમદાવાદ, મૂળ રહે જયપુર રાજસ્થાન) વચ્ચે લગ્નેતર સંબંધ પાંગર્યો હતો. પ્રેમના ઓથે ડિમ્પલ અને હેમંત કામલીલા કરતાં રહ્યા. લગ્નેતર સંબંધમાં ગળાડૂબ રહેતી ડિમ્પલ અવાર નવાર હેમંતને બોલાવતી હતી. હેમંત પણ વિઝીટના નામે અમદાવાદથી આવતો અને રંગરેલિયા મનાવતો. જો કે આ વાતની ભનક પતિને આવી ગયાની આશંકા ડિમ્પલને ગઇ હતી. તેને લાગ્યું કે ભાંડો ફૂટશે તો મોટો રાડો થશે. બદનામી થવા સાથે હેમંતને પણ ગુમાવવો પડશે. કામાંધ કપલ આ સંબંધનો અંત આવે એવું ઇચ્છતું ન હોવાથી વિરેન્દ્રસિંહની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.
ઘટનાની રાત્રે પ્રેમિકા ડીમ્પલ સેવનિયાએ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માને અમદાવાદથી બોલાવ્યો હતો અને મધ્ય રાત્રીએ હેમંત ઉર્ફે પીન્ટુ શર્માએ મૃતક વિરેન્દ્રસિંહ સેવનિયાના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ પત્ની ડીમ્પલ સેવનિયાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા હતા, તેમજ પથ્થર પણ ધોઈ નાખ્યો હતો. આખી ઘટના અકસ્માત હોવાનું જણાવી રોકકળ કરી લોકોની સહાનૂભૂતિ મેળવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ મહદઅંશે એમાં સફળ પણ રહ્યા હતાં. પોલીસને ગેરમાર્ગે દોરી લાશનો નિકાલ પણ કરાવી દીધો. આ વાતે ડિમ્પલની મ્હાયલો ગુનેગાર છાકટો બન્યો હતો. તેના વાણી અને વર્તનમાં છલકાવવા માંડેલી આછકલાઇએ તેને શંકાના દાયરામાં લાવી. પરિજનોએ એની નોંધ લઇ પોલીસને તપાસ માટે રજૂઆ કરી. પોલીસે પણ પોતાની ભૂલ સુધારી અને ઘટનાની તલસ્પર્શી તપાસ કરતાં આ યુગલનો ભાંડો ફૂટી ગયો. પોલીસે મૃતકની હત્યારી પત્ની ડિમ્પલ તેમજ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે.