યુપીની યોગી સરકાર લોકલાગણી અનુસાર ઘણાં મહત્વના નિર્ણયો લઇ રહી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો અને બાબતોમાં લોકલાગણીની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આવો જ એક મોટો નિર્ણય લેતા રાજ્યના 2 શહેરોમાં દારૂ અને માંસ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. સરકારના આદેશ બાદ અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરી બંને શહેરોમાં દારૂ અને માંસની દુકાનો બંધ કરાવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ બંને આધ્યાત્મિક શહેરો છે, તેથી ત્યાં આવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. આ બે શહેરો છે અયોધ્યા અને મથુરા…
યોગી સરકારના આદેશ પર, મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસ 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા મથુરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 22 વોર્ડમાં દારૂની દુકાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ સામે આવ્યા બાદ, જિલ્લા અધિકારીઓએ બુધવારથી 10 કિમીની ત્રિજ્યામાં આવતી 37 દુકાનો પર દારૂ, બિયર અને ગાંજાના વેચાણને સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. ઉલ્લેખનીય કે ગયા વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ સીએમ યોગીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહાપર્વ પર એક જનસભાને સંબોધિત કરી હતી. આ જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે શ્રી કૃષ્ણના જન્મસ્થળથી અઢી કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 10 ચોરસ કિલોમીટર વિસ્તારમાં તમામ ખુલ્લી માંસ અને દારૂની દુકાનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
યોગીની જાહેરાત બાદ બીજા જ દિવસથી જ વહીવટીતંત્રે માંસ વેચતી દુકાનો પર પ્રતિબંધનો અમલ શરૂ કરી દીધો હતો. જોકે, ટેકનિકલ કારણોસર દારૂ, બિયર અને ગાંજાની દુકાનો પર નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ ચાલુ રહ્યું હતું. જો કે, હવે રાજ્ય સરકારે મથુરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 22 વોર્ડના કાર્યક્ષેત્રમાં આવતી તમામ 37 દુકાનોને બંધ કરવાનો આદેશ પણ જારી કર્યો છે. જિલ્લા આબકારી અધિકારી પ્રભાત ચંદનું કહેવું છે કે હવે શ્રી કૃષ્ણ જન્મસ્થાનના 10 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કોઈ દારૂ અને માંસની દુકાન નથી ચાલી રહી. જે દુકાનો બંધ કરવામાં આવી છે તેમાં બાર લાઇસન્સધારક હોટલ, દારૂ, બિયર અને ગાંજાની દુકાનો અને મોડલ શોપ વગેરેનો સમાવેશ થાય છે.
મથુરાની સાથે અયોધ્યામાં પણ દારૂ અને માંસાહારી દુકાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બંને આધ્યાત્મિક શહેરો છે, જ્યાં દર વર્ષે લાખો લોકો દર્શન માટે પહોંચે છે. આ બંને શહેરોમાં માંસ-દારૂની દુકાનો પર અંકુશ લાવવાની લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. લોકોની આ માંગને જોતા સીએમ યોગીએ દારૂ અને માંસની બંને દુકાનો બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. લોકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે આ નિર્ણયથી આ બંને શહેરોના આધ્યાત્મિક પુનર્જીવનમાં મદદ મળશે.