એકનાથ શિંદેની નેતૃત્વવાળી મહારાષ્ટ્રમાં રચાયેલી નવી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતનો આંકડો પાર કરી લીધો છે. એકનાથ શિંદેને પોતાના પક્ષ તરફી 164 મત મળ્યા છે. જ્યારે વિપક્ષને 99 મત મળ્યા હતાં. એકનાથ શિંદે સરકારે વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન બહુમત સાબિત કરી દીધુ છે. વિધાનસભામાં 164 ધારાસભ્યોએ તેનુ સમર્થન કર્યુ છે. સ્પીકરનો વોટ કાઉન્ટ કરવામાં આવ્યો નથી, નહિ તો આ આંકડો 164 થઈ જાત. હવે વિરોધમાં વોટિંગ શરૂ થઈ છે. જોકે, નવા બાગી સંતોષ બાંગરે પણ શિંદે સરકારના સમર્થનમાં વોટ કર્યો છે. તો કોંગ્રેસના 5 ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં ગેરહાજર છે.
ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક વિધાયકે ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જોવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના વિધાયકો સાથે આજે સવારે હોટલ છોડતા જોવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે.
અત્રે જણાવવાનું કે ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ રવિવારે એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.