મુંબઈ: શિવસૈનિક એકનાથ શિંદેએ કોંગ્રેસને સમર્થન અને હિન્દુત્વના મુદ્દાને આગળ કરી ઉદ્ધવ ઠાકરે સામે બાંય ચઢાવી છે. શિંદેએ ધારાસભ્યોના મોટા જુથ સાથે અલગ ચોકો રચ્યો છે. આ સ્થિતિ પાછળ જેનો દોરી સંચાર હોવાનું બંધ મોંઢે ચર્ચાય રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટપણે શિવસેનામાં બળવાથી પોતાને દૂર રાખ્યું છે. ભાજપનું વરિષ્ઠ નેતૃત્વ પૃષ્ઠભૂમિમાં આ રાજકીય સંકટ વચ્ચે આગળની વ્યૂહરચના પર પણ કામ કરી રહયું છે. હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, શિવસેનામાં બળવો કરી રહેલા એકનાથ શિંદેને ભાજપે ઉપમુખ્યમંત્રી પદની ઓફર કરી છે. શિંદેને એક સંદેશ આપવામાં આવ્યો છે કે તેમણે તેમના ધારાસભ્યો સાથે આગળ વધવું જોઈએ અને રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ સાથે હાથ મિલાવવો જોઈએ.

288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી મેળવવા અને વર્તમાન MVA સરકારને તોડી પાડવા માટે ભાજપને 38 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. જો કે, પક્ષપલટો કરવા ઇચ્છુક ધારાસભ્યોની ચોક્કસ સંખ્યા અંગે કોઇ સ્પષ્ટતા નથી. જો બળવાખોર ધારાસભ્યોની સંખ્યા નોંધપાત્ર હોવાનું બહાર આવે છે, તો સૂત્રો કહે છે કે, ભાજપ એકનાથ શિંદે સાથે સમાન કરાર કરશે જે રીતે તેણે નવેમ્બર 2019 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજિત પવાર સાથે કર્યો હતો.
શું એકનાથ શિંદે ભાજપ સાથે સમાધાન કરશે? ત્યારે થયેલી સમજૂતી મુજબ અજિત પવારને ડેપ્યુટી સીએમની ખુરશી મળી હતી, જ્યારે તેમની ટીમમાંથી 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે, આ ઉતાવળિયો કરાર 80 કલાક સુધી પણ ટકી શક્યો ન હતો, જેણે મહા વિકાસ અઘાડી (MVA) સરકાર માટે માર્ગ મોકળો કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસની નજીકના એક સૂત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે જો એકનાથ શિંદે સખત સોદો કરે છે, તો તેમની પાસે ધારાસભ્યોની સંખ્યાના આધારે તેમને વધુમાં વધુ 12 મંત્રી પદો ફાળવવામાં આવી શકે છે.

સૂત્રના જણાવ્યા અનુસાર, ‘શિંદેનો બળવો 2019માં અજિત પવારના બળવા જેવો જ છે. શિંદે જૂથને વધુમાં વધુ 12 મંત્રી પદ મળવાની ધારણા છે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ સાથે ગઠબંધન કરીને શિવસેનાના ખાતામાં એટલા જ મંત્રી પદ ગયા હતા. શિંદે જૂથને જે પોર્ટફોલિયોની ફાળવણી કરી શકાય છે તેમાં PWD, શહેરી વિકાસ (ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારમાં, શિંદે આ પોર્ટફોલિયો સંભાળતા હતા)નો સમાવેશ થાય છે. કેબિનેટમાં સ્થાન ન મેળવતા કેટલાક અન્ય લોકોને વૈધાનિક બોર્ડ અને કોર્પોરેશનોમાં સમાવી શકાય છે.
મહારાષ્ટ્રમાં સત્તામાં પાછા ફરવાની સંભાવના સાથે દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયની બહાર ભાજપના નેતાઓની કતારો લાંબી થઈ ગઈ છે. જો કે, મહારાષ્ટ્ર બીજેપીના ઉપાધ્યક્ષ માધવ ભંડારીએ ચેતવણી આપતા કહ્યું, “અમે વર્તમાન પરિસ્થિતિ વિશે બોલવા માંગતા નથી. જરૂર પડશે તો ફડણવીસજી કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ મોરચાથી નેતૃત્વ કરશે. આગામી સરકારની રચના અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. અહીં એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સંદેશ આપ્યો છે કે જો તેઓ વર્તમાન ગઠબંધનમાંથી બહાર નીકળીને ભાજપ સાથે સરકાર બનાવે છે તો આ બળવાનો અંત થશે.