મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. એકબાજુ ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો છવાયા છે ત્યાં બીજી બાજુ સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ છે. કોંગ્રેસના નેતા કમલનાથે આ જાણકારી આપી. તેમણે મીડિયા સાથે સંવાદ દરમિયાન કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓ હોમ આઈસોલેટ છે. કેબિનેટ બેઠક અગાઉ સીએમનું કોરોના સંક્રમિત થવું અને બીજી તરફ સંજય રાઉટની ટ્વીટ મહારાષટ્ર વિધાનસભા ભંગ થવાના એંધાણ વર્તાય રહ્યા હોવાનું જાણકારોનું કહેવું છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથોસાથ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ કોરોના પોઝિટિવ થયા છે. તેઓને હાલ સારવાર અર્થે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી જેવા સંજોગોમાં બંને મહત્વના વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઇ આઇસોલેટ થઇ ગયા છે. વર્તમાન સ્થિતિમાં આ બંનેએ ચાવીરુપ ભૂમિકા ભજવવાની હોય છે. અચાનક બંનેનું કોરોનાગ્રસ્ત થવું એ પણ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેબિનેટ મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના બળવાખોર તેવરના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. આ બધા વચ્ચે એવી પણ અટકળો હતી કે વિધાનસભા ભંગ થઈ શકે છે. જે અંગે હવે શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને સંકેત પણ આપી દીધા છે.
સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં હાલનો રાજકીય ઘટનાક્રમ વિધાનસભા ભંગ થવા તરફ જઈ રહ્યો છે.’ વાત જાણે એમ છે કે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો દાવો છે કે તેમની સાથે 40 વિધાયકો છે. હજુ પણ કેટલાક વિધાયકો શિંદે તરફ ઝૂકી શકે છે.