અયોધ્યાના ભુઆપુર ગામમાં હનુમાન મંદિર પરિસરની અંદર એક યુવકનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. મંદિર પરિસરમાં એ સમયે અફરાતફરી મચી જવા પામી, જ્યારે એક વ્યક્તિનું ગળું કપાયેલું શબ મળ્યું. મૃતક યુવક ઉત્તર પ્રદેશના અમેઠીનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે ક્યારેક ક્યારેક મંદિરમાં સૂવા આવતો હતો. હાલમાં જ દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી પણ ગળું કાપીને નિર્દયી હત્યા કરવાની ઘટના સામે આવી છે. અયોધ્યાના મિલકપુરના સર્કલ ઓફિસર સત્યેન્દ્ર ભૂષણે આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, તેના પર ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. તો અયોધ્યાના SSP એસ. પાંડેએ જણાવ્યું હતું કે, કુમારગંજ પોલીસ સ્ટેશનના એક મંદિર પરિસરમાં 35 વર્ષીય પંકજ શુક્લાનું શબ મળ્યું છે. આ ઘટના મંદિર સંબંધિત નથી. SSPએ જાણકારી આપી હતી કે, હત્યાની એક રાત અગાઉ મારામારીની જાણકારી મળવા પર મૃતક પંકજના પિતરાઇ ભાઈ ગુલ્લૂ મિશ્રાની ધરપકડ કરી લીધી છે અને હત્યા કરવા ઉપયોગ થયેલું હથિયાર કુહાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક પંકજ લગભગ 2 મહિનાથી પોતાના મામાના ઘરે રહેતો હતો અને રાત્રે ભોજન કર્યા બાદ વીજળી ન હોવાના કારણે તે ઘર બહાર અનુમાન મંદિરના ચબૂતરા પર જઈને સૂઈ ગયો. સવાર થઈ તો ખબર પડી કે ઘર બહાર પંકજનું ગળું કપાયેલી હાલતમાં શબ પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદેપુર અને મહારાષ્ટ્રના અમરાવતીમાં ગળું કાપી હત્યા કરવાના બે બનાવો બન્યા છે. આ બંને ઘટના ધર્મઝનૂનીઓનું કારસ્તાન હોવાનું બહાર આવ્યું હતું. જેહાદી હત્યા ગણાતી આ ઘટનાને મળતી આવતી ઘટના અયોધ્યામાં ઘટી છે. આ કેસની તપાસમાં શું બહાર આવે છે એ જોવું રહ્યું.