*શક્તિપીઠ પાવાગઢમાં ઇતિહાસ સર્જાયો, 500 વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ
વડોદરા ;; શક્તિપીઠ પાવાગઢમાં આજે સુવર્ણજડિત ગર્ભગૃહના લોકાર્પણની સાથે 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજા રોહણની ઐતિહાસીક ઘટના સર્જાઇ હતી. વડાપ્રધાનના પાવાગઢ ખાતેના કાર્યક્રમને પગલે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બે દિવસ માટે પાવાગઢ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજે યોજાનાર કાર્યક્રમ માટે સાધુ સંતોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
માતાજીની 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢની મહાકાળી માતાના મંદિરના જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય આજે કરવામાં આવ્યું ત્યારે લાખો મહાકાલી ભક્તો માટે રોમાંચક ઘડી હતી. ઉપરોક્ત સ્થળે ભક્તો માટે પ્રદક્ષિણાનો રૂટની પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મહાકાળી માતાના મંદિરનું સુવર્ણજડિત ગર્ભગૃહ ખુલ્લુ મુકાયું અને ત્યારબાદ માતાજીના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. 500 વર્ષના ઇતિહાસ બાદ પહેલીવાર શીખર ઉપર ધ્વજારોહણ થતા ગુજરાત માટે આ એક ઐતિહાસિક ઘડી સર્જાઇ હતી.

માતાના દરબારથી સંતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય મળ્યું. મારુ જીવન ધન્ય થઈ ગયું. સપનુ સંકલ્પ બનતુ હોય અને તે સિદ્ધ થતુ હોય તો આનદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્ત સુપ્ત અને લુૂપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશીર્વાદથી આ જ શક્તિનુ પ્રાગટ્ય જોઈ રહ્યાં છીએ. સદીઓ બાદ મહાકાળીનુ આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.

તેમણે કહ્યુ કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતિક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે તેનુ પ્રતિક છે. અયોધ્યા, કાશી, કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પોતાની પ્રાચીન ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે.
મોદીએ કહ્યુ કે, આ અવસર સૌનો સાથ, સૌનો વિકાસ અને પ્રયાસનુ પ્રતિક છે. મને મહાકાળી મંદિરમાં ધજારોહણ અને પૂજાની તક મળી. માતા મને પણ આશીર્વાદ આપે કે હુ વધુ ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરું. મારુ જે પણ સામ્યર્થ છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે, તે હુ દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે સમર્પિત કરું.
સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયુ તો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના ચેલેન્જિસ હતા. તેના માટે આપણે લડ્યા હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યુ છે. આજે તેમનુ સપનુ પૂરુ થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ. એક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી, અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ ન હતું. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ, પણ ગર્ભગૃહનુ મૂળ સ્વરૂપ એવુ જ રખાયુ છે. લોકોએ અહી મળીને કામ કર્યું.