નવી દિલ્હીઃ સોનિયા ગાંધી હેરાલ્ડ કેસમાં ઇડીની તપાસમાંથી હજી બહાર આવ્યા નથી ત્યાં હવે તેમના પીએ બળાત્કાર જેવા સંગીન મામલામાં ફસાયા છેં. સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન વિરુદ્ધ નોકરીના બહાને બળાત્કાર કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસ યુવતીએ આપેલી ફરિયાદને સમર્થન આપતાં પુરાવાઓની તપાસ કરી રહી છે.
DCP દ્વારકા એમ હર્ષ વર્ધને જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે ઉત્તમ નગર પોલીસ સ્ટેશને IPCની કલમ 376, 506 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2018માં તેનો પતિ કોંગ્રેસના કાર્યક્રમો અને ઓફિસમાં હોર્ડિંગ્સ લગાવતો હતો, તે તેના પતિ સાથે પાર્ટી ઓફિસ જતી હતી, તેના પતિનું ફેબ્રુઆરી 2020માં અવસાન થયું હતું. પતિના ગુજરી ગયા પછી કોઈ કામ ન હોવાને કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. પીડિતા મદદની આશા રાખીને, કોંગ્રેસ કાર્યાલય ગઈ, જ્યાંથી મહિલાએ સોનિયા ગાંધીના પીએ પીપી માધવનનો નંબર મેળવ્યો.
મહિલાએ ફોન કરીને માધવનને આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું તો, તેણે નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું અને ત્યારબાદ મહિલાએ તેની સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. દરમિયાન, 21 જાન્યુઆરી, 2022 ના રોજ, આરોપીએ પીડિતાને એક સંદેશ મોકલ્યો અને તેણીને સુંદર નગરના એક ઘરે ઇન્ટરવ્યુ માટે બોલાવી, જ્યાં તેની સાથે વાત કર્યા પછી, તેણીએ તેની પાસેથી તેના તમામ દસ્તાવેજો લીધા. આ પછી આરોપીએ પીડિતાને કહ્યું કે, તેણે તેની પત્નીથી છૂટાછેડા લીધા છે, તે ફરીથી લગ્ન કરવા માંગે છે. પીડિતા પણ તેની જાળમાં આવી ગઈ, આ પછી બંને વચ્ચે વીડિયો અને ઓડિયો કોલ દ્વારા વાતચીત શરૂ થઈ.
મહિલાએ જણાવ્યું કે, એક દિવસ આરોપીએ તેને રાત્રે 10 વાગે ઉત્તમ નગરમાં મળવા બોલાવી. મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેને કારમાં બેસાડી અને તેના ડ્રાઈવરને ત્યાંથી જવાનું કહ્યું. આ પછી તેણે મહિલા સાથે અશ્લીલ હરકતો કરવા માંડી, જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તે ગુસ્સામાં પોતાની કાર લઈને જતો રહ્યો હતો. બીજા દિવસે જ આરોપીએ મહિલાને ફોન કરીને રાત્રે કરેલા કૃત્ય માટે તેની પાસે માફી માંગી હતી, તે પછી તે પહેલાની જેમ જ બોલવા લાગ્યો. એક દિવસ ફરી આરોપીએ મહિલાને સુંદરનગરના એક ફ્લેટમાં બોલાવી અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું, તેણે જલ્દી લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. બંને મળવા લાગ્યા, એક દિવસ મહિલા સાથે વાત કરતા સમયે આરોપીએ કહ્યું કે, મારી પત્નીએ તારો નંબર જોયો છે. મોબાઈલમાં નામ બદલવુ પડશે, આ પછી મહિલાને ખબર પડી કે, આરોપીના પત્ની સાથે છૂટાછેડા થયા નથી. મહિલા સામે તેનુ જૂઠાણું પકડાઈ જતા તેણે તેનો વિરોધ કર્યો અને લગ્ન માટે દબાણ કરવા લાગી તો તેની અવગણના કરવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન આરોપીએ પીડિતાને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવાનું પણ કહ્યું હતું, તેને પૈસાની લાલચ આપવામાં આવી હતી. જ્યારે તેણીએ વિરોધ કર્યો તો, આરોપીએ તેને ધમકી આપી અને કહ્યું કે અમે 70 વર્ષથી રાજ કરી રહ્યા છીએ, જે પણ અમારી સાથે ગડબડ કરે છે તે તેને રાતોરાત ગાયબ કરી દે છે. આખરે, પીડિતાએ ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.