નવસારીમાંથી જાણીતા પત્રકાર મીનેશ ટેલર લાપતાં થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ટેલરના લાપતાં થવા પાછળ વસીમ બિલ્લા મર્ડર કેસ તથા તેને લઇ કેટલાક તત્વો દ્વારા કરાતી બદનામી કારણભૂત હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. મીનેશ ટેલર ગુમ થયા એ પહેલા તેમણે ફેસબુક લાઇવ કરી પોતાની મનોવ્યથા પણ ઠાલવી હતી. સાથી પત્રકારોએ લાપતાં થવા અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જેના આધારે ટેલર વેરાવળમાં રાવળિયા બાપા મંદિર પાસે મળી આવ્યો હતો. ટેલર પૂર્ણા નદીમાં કૂદી પડ્યો હતો, જો કે સ્થાનિકોએ તેને ઉગારી લીધો હોવાનું કહેવાઇ રહ્યું છે.
સવારે દસેક વાગ્યાની આસપાસ કરાયેલા ફેસબુક લાઇમાં મીનેશ ટેલરને કહેતાં સાંભળવા મળે છે કે સંભવ છે કે આ તેમનો અંતિમ વીડિયો હોય શકે છે. પોતાના જીવને જોખમ હોવાનું જણાવનાર ટેલર આ સ્થિતિ પાછળ કારણભૂત વ્યક્તિ અને સંજોગો અંગે પણ વાત કરી હતી. જવાબદાર વ્યક્તિઓના નામ સાથે તેઓ સામે કાર્યવાહી કરવા પોલીસને આજીજી કરતો વીડિયો બનાવ્યા બાદ ટેલર લાપતાં થઇ ગયો હતો. તેમની જીજે 21 બીજી 0816 નંબરની મોપેચ વિરાવળ સ્મશાન પાસે પૂર્ણા નદીના પુલ પાસેથી બિનવારસી મળી આવતાં મામલો વધું ગંભીર બન્યો છે. ટેલરના પત્નીએ આ મામલે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ સાથે જ સાથી પત્રકાર મિત્રો ટેલરના લાપતાં થવા અંગે પોસ્ટ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરી હતી.
ટેલરે તેની વીડિયોમાં જે આરોપો મૂક્યા એ સંગીન હતાં. આ બાબતે ચર્ચા કરવા નવસારીના પત્રકારો સર્કિટ હાઉસમાં ભેગા થયા હતાં. જયાં જૂથવાદ અને એકબીજાને પાડી દેવા કરાતા કાવતરા મુદ્દે ચર્ચા શરુ કરાઇ હતી. આ દરમિયાન મીનેશે તેની વીડિયોમાં જેઓ ઉપર આરોપ મૂક્યા એ પૈકીના એક પત્રકાર આડીઅવળી વાત કરતાં જતાં તેણે રોષનો ભોગ બનવું પડ્યું હતું. ટેલરના સાથી મિત્રોએ એ પત્રકારને બરાબર ઠમઠોરી લીધો હતો. ફિલ્મી ઢબની મારામારીથી સર્કિટ હાઉસનો સ્ટાફ પણ અચંબિત થઇ ગયો હતો. એક પત્રકારના લાપતા થવા બાબતે બીજા પત્રકારો વચ્ચે થયેલી મારામારી સંબંધિતોમાં ભારે ચર્ચાસ્પદ બની હતી.
આ પ્રકરણનો વિવાદ છેક ટાઉન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. બીજી તરફ પોસ્ટ ફરતી કરનાર હિતેશ સોનવણે ઉપર અજાણ્યાનો કોલ આવ્યો હતો. આ કોલરે ટેલર વેરાવળ નજીક પૂર્ણા નદી કિનારે રાવળિયા બાપાના મંદિરે આવી જવા કહ્યું હતુંય પત્રકારો મારતી ગાડીએ ત્યાં પહોંચ્યા તો મીનેશ સલામત મળી આવ્યો હતો. જો કે સ્થળ ઉપરથી એવી વાત બહાર આવી કે મીનેશે નદીમાં ઝંપલાવ્યું હતું,પરંતુ સ્થાનિકોએ તેને ઉગારી લીધો હતો. મીનેશ હાલ માનસિક રીતે ભાંગી પડ્યો થે, આઘાતમાં છે. તેને તબીબી સારવાર માટે પરિજનોએ તજવીજ કરી હતી. ટેલર સ્વસ્થ થયા બાદ પોલીસ તેનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરશે એવું જાણવા મળે છે.