મહારાષ્ટ્રનું રાજકીય સંકટ આસાનીથી ઉકલે એવા એંધાણ વર્તાય રહ્યા નથી. કોંગ્રેસને સમર્થન અને હિન્દુત્વના મુદ્દેથી ભટકવાનો મુદ્દો આગળ કરી વિરોધનું બ્યૂગલ ફૂંકનારા એકનાથ શિંદેના સમર્થક એવા ધારાસભ્યોની સંખ્યા વધી રહી છે. સામેની છાવણી મજબૂત બનતી જોઇ ઉધ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી લોકો સાથે વાત કરી હતી. તેમણે મુખ્યમંત્રી પદ કરતાં વધું મહત્વના શિવસૈનિકો હોવાની ઇમોશનલ વાતો કરી હતી. સામે આવી વાત કરો રાજીનામું આપી દઇશ એવી વાતો કરી ઠાકરેએ લોકલાગણી જીતવાનો દાવ ખેંલ્યો હતો. એવામાં બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. હોટલમાં ઉપસ્થિત ધારાસભ્યોના સમર્થન સાથે ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પત્ર લખ્યો છે. પત્રમાં શિંદેએ પોતાની સાથે 42 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. જેમાં શિવસેનાના 34 અને 8 અપક્ષ ધારાસભ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર ચિઠ્ઠીમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, ‘અમારા માટે ઉદ્ધવના ઘરના દરવાજા બંધ કેમ? અમારી પરેશાની તમે કયારેય ન સમજી જોઇ. અઢી વર્ષમાં ઉદ્વવ ઠાકરેએ અમને આપણા નથી સમજ્યા. અમે સતત રજૂઆત કરતા રહ્યાં પણ અમારી એક પણ ન સાંભળી. અમને ક્યારેય વર્ષા બંગલામાં પ્રવેશ નથી આપવામાં આવ્યો. અમારી મુશ્કેલીઓને ક્યારેય તમે નથી સાંભળી. અમે સતત અવાજ લગાવ્યો, જેને તમે નથી સાંભળ્યો. આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા જતા અમને કેમ રોકવામાં આવ્યાં? રાજ્યસભા ચૂંટણીમાં પણ અમારી પર ભરોસો કેમ ના મૂકવામાં આવ્યો?’

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતરતા જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે હાલ ગુવાહાટીમાં હાજર છે. તો વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ કૃપાલેએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે, તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેઓએ કહ્યું કે, માત્ર 13 ધારાસભ્યોને છોડીને બાકીના 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે.