ટેકનોલોજીના યુગમાં સરકાર દ્વારા શક્ય એટલી સર્વિસીસ ઓનલાઇન પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવી રહેલી આવી સેવાઓમાં હવે ગૃહ વિભાગ પણ જોડાઇ રહ્યું છે. પોલીસ તેમજ લોકોના સમયની બચત થાય તે માટે ગુજરાત પોલીસ એક મહત્વની સેવા શરૂ કરવા જઇ રહી છે.
વાહન અને મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં હવે નાગરિકોએ ફરીયાદ પોલીસ મથક સુધી લાંબા થવું નહી પડે. આવી ફરિયાદો ઓનલાઇન કરી શકાશે. ગૃહ વિભાગ એવો પ્રોજેક્ટ લોન્ચ કરી રહી છે કે જેનાથી મોબાઇલ અને વાહન ચોરીના કેસમાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની વાત હવે ભૂતકાળ બનશે, એટલું જ નહીં મોનેટરિંગ સિસ્ટમ એવી બનાવાય છે કે કાર્યવાહી પણ ઝડપી બનશે, તેમ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ.

કોઇપણ વ્યક્તિનો મોબાઇલ કે વાહન ચોરી થાય અને તેઓ ઓનલાઇન ફરિયાદ કરે એવા કિસ્સામાં જે તે પોલીસ મથકના કર્મચારી દ્વારા માત્ર 24 કલાકમાં ક્રોસ વેરિફિકેશ થઇ જશે. ઘટના અંગે સ્થળ ઉપરથી માહિતી મેળવી 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે. એટલું જ નહીં 72 કલાકમાં પોલીસે સમગ્ર પ્રક્રિયાનો નિકાલ લાવવાનો રહેશે.આ સર્વિસ ઉપરાંત બોડીવોર્ન કેમેરા અને ત્રિ-નેત્ર પ્રોજેક્ટનું શનિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

ઓનલાઇન ફરિયાદના પ્રોજેક્ટમાં શરુઆતમાં માત્ર મોબાઇલ અને વાહન ચોરીની ફરિયાદ નોંધાશે. e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે. વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.
સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશનર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશનર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગાંધીનગરના પોલીસ ભવન ખાતે આયોજિત ‘ઈનોગ્રેશન ઑફ સ્માર્ટ પોલિસિંગ ઈનીશિયેટીવ ઑફ ગુજરાત પોલીસ’ નામે કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ના વાહનોને ફ્લેગ ઑફ આપવામાં આવશે. સાથે-સાથે મોટાભાગના પોલીસ કર્મીઓના શરીર પર લગાડવામાં આવનારા બૉડી વોર્મ કેમેરાનું પણ રોલઆઉટ કરવામાં આવનાર છે.