સુરત, તા.15 ફેબ્રૂઆરી…
શહેરના ઉત્રાણ વિસ્તારમાં રહેતા વેકરિયા પરિવારની પુત્રવધુ મોનિકાના અપમૃત્યુ નો વિવાદ ધીરે ધીરે વકરવા માંડ્યો છે. ઇઝરાયેલથી ભાઇના લગ્ન માટે સુરત આવી અને ઝેર ના કારણે મોતને ભેટેલી મોનિકાને મારી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ તેણીના પિયરિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મામલે આજે પોલીસ કમિશનર કચેરીએ મોટા બેનર સાથે દેખોવો કરાયા હતાં. માનિકાની હત્યા થઈ છે, 302ની કલમ ઉમેરી સાસરિયાઓની તાત્કાલિક ધરપકડ કરો એવી રજૂઆત પોલીસ કમિશનરને પણ કરાઇ હતી.

મળતી માહિતી અનુસાર ઉત્રાણના ઓપેરા હાઉસમાં રહેતાં મનસુખભાઈ પરષોત્તમભાઇ વેકરિયાના દિકરા ટેનીશની પત્ની મોનિકાએ ચાર દિવસ અગાઉ શુક્રવારે બપોરે ઝેર પીધેલી અવસ્થામાં મળી આવી હતી, તેણીને હોસ્પિટલ ખસેડાઇ જોકે, ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી મોનિકાના પિતા શાંતિભાઈ ભંડેરીએ પોતાની પુત્રીને પતિ અને સાસરિયાએ ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે, મોનિકાના 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને એક સંતાન પણ છે. લગ્ન બાદ મોનિકા પતિ સાથે ઇઝરાયેલ રહેતી હતી. હાલ ભાઇના લગ્ન હોવાથી તે સુરત આવી હતી. દરમિયાન પતિ ટેનીશ અવાર નવાર મોનિકાને કહેતો હતો કે તું મને ગમતી નથી. તેને અન્ય છોકરી સાથે અફેર હોવાથી છૂટાછેડા આપવા દબાણ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસના કારણે મોનિકાનું અપમૃત્યુ થયું છે.

મોનિકાની પિતા શાંતીભાઇ નારદભાઇ ભંડેરી (રહે. અભિનંદન રેસીડેન્સી, સરથાણા જકાતનાકા)ની ફરિયાદ આધારે ઉત્રાણ પોલીસે (1) પતિ- ટેનીશ મનસુખભાઇ વેકરીયા રહે. ( ઇઝરાયેલ) (2) સસરા-મનસુખભાઇ પરશોતમભાઇ વેકરીયા (3) સાસુ-પ્રવિણાબેન મનસુખભાઇ વેકરીયા (રહે. ઓપેરા હાઉસ, વ્હાઇટ હાઉસ ની પાસે, ઉત્રાણ) (4) નણંદ- પારૂલબેન જસ્મીનભાઇ પાદરીયા (5) નણદોઇ- જસ્મીન ચંદુભાઇ પાદરીયા (બંને રહે.સરદાર કોમ્પલેક્ષ, ધરમનગર, એ.કે.રોડ, સુરત). (6) નણંદ- નેહાબેન નિશાંતભાઇ સવાણી (7) નણદોઇ- નિશાંતભાઇ શૈલેષભાઇ સવાણી (બંને રહે.નીલકંઠ રો હાઉસ, સરથાણા જકાતનાકા, સુરત) સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટીદાર સમાજમાં ચકચારી બનેલા આ કેસમાં હવે હત્યા કરાયાનો વિવાદ શરૂ થયો છે. ભંડેરી પરિવાર દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મોનિકાએ ઝેર પીધું નથી, તેને પીવડાવવામાં આવ્યું હતું. તેની હત્યા કરાઇ છે. ભંડેરી પરિવારે આજે મોટા બેનરો સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે મોનિકાની હત્યા કરવામાં આવી છે. ત્રણ વર્ષની દીકરી અવિરાના ફોટા સાથેના બેનરમાં લખવામાં આવ્યું હતું કે માસૂમદીકરી અવિરાનો એક જ પોકાર માતાના હત્યાને સજાની આશ.

મોનિકાના અપમૃત્યું પ્રકરણમાં પતિ ટેનિસ, નણંદ નેહા સવાણી, ડો. નિશાંત સવાણી, પારુલની ધરપકડ કરવામાં આવી નથી. જેમાં બે આરોપી સરકારી નોકરી કરે છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેઓ સરકારી નોકરી કરતા હોવાને કારણે તેઓ પોતાની વગનો ઉપયોગ કરી રહ્યા છે તેને કારણે ચાર દિવસ પછી પણ તેઓ પોલીસના હાથે હજી સુધી લાગ્યા નથી.
મૃતક મોનિકાના કાકા અશોકભાઈએ જણાવ્યું કે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં મોનિકાના હત્યારાઓની સામે 306ની કલમ દાખલ કરવામાં આવી છે પરંતુ અમે માનીએ છીએ કે આ હત્યા કરવામાં આવી છે અને આરોપીઓની સામે 302નો ગુનો દાખલ થવો જોઈએ. જે આરોપીઓ ફરાર છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.