કોરોના બાદ હવે મંકીપોક્સ વૈશ્વિક આરોગ્ય ઉપર ખતરા સ્વરુપે મંડરાવા માંડ્યો છે. યુરોપીય દેશોમાં મંક્સીપોક્સ ચિંતાજનક સ્વરુપે ફેલાઇ રહ્યો છે ત્યારે એ દેશો સાથે કનેક્ટિવિટી ધરાવતાં અન્ય દેશો પણ એલર્ટ મોડ ઉપર આવી ગયા છે. ભારત પણ મંક્સીપોક્સ મામલે સાવચેતી રાખી રહ્યું છે, ખાસ કરીને એવા શહેરો કે જ્યાં વિદેશીઓની આવન જાવન વધુ રહેતી હોય ત્યાં તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક તાજમહેલના દર્શન માટે વિશ્વના વિવિધ દેશોમાંથી પ્રવાસીઓના આગમનની પૃષ્ઠભૂમિમાં મંકીપોક્સને લઈને આગરામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આગ્રા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ એડવાઈઝરી જારી કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગ ખાસ કરીને વિદેશથી આવતા પ્રવાસીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડૉ. અરુણ શ્રીવાસ્તવે જણાવ્યું કે બ્રિટન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સાથે યુરોપના કેટલાક દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે આ દેશોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ તાજમહેલ જોવા આગ્રા પહોંચે છે, આવી સ્થિતિમાં હવે સ્વાસ્થ્ય વિભાગની ટીમ આ વિદેશી પ્રવાસીઓ પર ખાસ નજર રાખશે.
CMO ડૉ. અરુણ શ્રીવાસ્તવે કહ્યું કે મંકીપોક્સ વાયરસનો શંકાસ્પદ જણાતા જ તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને ત્યારબાદ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે, જેથી સમયસર સારવાર મળી શકે અને અન્ય લોકો પણ સુરક્ષિત રહે. સીએમઓએ કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે, જે મંકીપોક્સના લક્ષણો દેખાશે કે તરત જ નમૂના લેશે અને તપાસ માટે મોકલશે.
ડો. શ્રીવાસ્તવે જણાવ્યું કે મંકીપોક્સ વાયરસથી પીડિત દર્દીને તાવ આવ્યા બાદ શરીર પર ફોલ્લીઓ અને ચાંદા પડી જાય છે. તેમણે કહ્યું કે આવા શંકાસ્પદ દર્દીઓના લોહી, ઘાના પ્રવાહી અને લાળના નમૂનાઓ તપાસ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જો દર્દી સંક્રમિત જોવા મળે છે, તો 21 દિવસમાં સંપર્કમાં આવેલા લોકોના નમૂનાઓનું પણ પરીક્ષણ કરવામાં આવશે અને આ માટે આરોગ્ય વિભાગે એક ટીમની રચના કરી છે.