ભારતમાં મંકિપોક્સનો ખતરો વધતા સરકાર એક્શનમાં આવી છે અને વિદેશથી આવતા તમામ મુસાફરોની તપાસનો આદેશ આપ્યો છે. ભારતમાં મંકિપોક્સના 2 કેસ છે અને તેનો ખતરો વધી રહ્યો છે. મંકિપોક્સને વધારે ફેલાતો અટકાવવા માટે હવે સરકારે મોટું પગલું ભર્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકારે દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બંદરો પર એન્ટ્રી પોઈન્ટની સમિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. સાથે દેશના તમામ હેલ્થ અધિકારીઓને આદેશ અપાયા છે કે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓની સઘન તપાસ કરો જેથી કરીને મંકિપોક્સનો ફેલાતો ન થઈ શકે.
આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં ઓરી, અછબડા અને શીતળાના જુના રોગ જેવું છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું. વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે. તે ઉપરાંત વિદેશથી આવતા લોકો મંકિપોક્સ પોઝિટીવ આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આજે કેરળમાં મંકિપોક્સનો બીજો કેસ આવ્યો છે. બન્ને કેસના પોઝિટીવ દર્દી વિદેશથી આવેલા છે એટલે વિદેશથી આવતા લોકો મંકિપોક્સ લઈને આવે છે અને તેનો ફેલાવો અજાણતા દેશમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિને ટાળવા માટે સરકારે વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે મંકીપોક્સ વાયરસ વિશે માહિતી આપતા કહ્યું કે, તેનાથી સંક્રમિત વ્યક્તિને ખૂબ જ તાવ, ત્વચા પર ફોલ્લીઓ (ચહેરાથી શરૂ કરીને હાથ, પગ, હથેળી અને તળિયા) પડે છે. મંકિપોક્સ વાયરસથી સંક્રમિત વ્યક્તિને માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો કે થાક, ગળામાં દુખાવો અને ખાંસી હોય છે. આમાંથી કોઈ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની મેડિકલ સલાહ લેવી જોઈએ. મંકીપોક્સનો ચેપ ગ્રસ્ત વ્યક્તિને આંખમાં દુખાવો અથવા ધૂંધળો દેખાવ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, પેશાબ ઓછો થવો, વારંવાર બેભાન થવું અને વાંચવાની આંચકી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.