જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પીએમ પેકેજ પર ભરતી થયેલી એક મહિલા કર્મચારીની હત્યા કરી નાખી છે. આ મહિલા કુલગામમાં શિક્ષિકા હતી અને 1990માં હિજરત બાદ તેને ફરીથી બોલાવીને પીએમ એમ્પ્લોયમેન્ટ પેકેજ હેઠળ કાશ્મીરમાં નોકરી આપવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ શાળામાં ઘૂસ્યા અને પહેલા શિક્ષિકાને તેનું નામ પૂછ્યું અને પછી તેને AK-47 વડે ગોળી મારી દીધી.
જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે અજાણ્યા આતંકવાદીઓએ તેમને તેમની સ્કૂલમાં ગોળી મારી દીધી હતી. જે બાદ તેને કુલગામની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃત શિક્ષિકાની ઓળખ રજની નામની મહિલા તરીકે થઈ છે, જે સાંબાની રહેવાસી હતી.
કાશ્મીર ઝોન પોલીસના નિવેદન અનુસાર, આતંકવાદીઓએ મંગળવારે સવારે કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં સ્થિત એક હાઈસ્કૂલના શિક્ષિકા પર ગોળીબાર કર્યો હતો. મહિલાને ગોળી વાગ્યા બાદ તેને કુલગામની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. હુમલાખોરો સ્થળ પરથી નાસી જવામાં સફળ થયા છે.
ઘટના બાદ સેના, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તે જ સમયે, કુલગામ જિલ્લાની હોસ્પિટલમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
કુલગામની ઘટનાએ ફરી એકવાર ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જે મહિલાને આતંકીઓએ ગોળી મારી હતી તેને પણ પીએમ સ્પેશિયલ એમ્પ્લોયમેન્ટ પેકેજ પર ઘાટીમાં મોકલવામાં આવી હતી. કાશ્મીરમાં તૈનાત આ મહિલાનો પરિવાર 1990માં ઘાટીમાંથી હિજરત કરી ગયો હતો.