પશ્ચિમ બંગાળ માં કાળી પર ટિપ્પણી મામલે હવે રાજકારણ ગરમી પકડી રહ્યું છે. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રાએ તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધું છે. નોંધનિય છે કે, મહુઆ મોઇત્રાએ માં કાલી પર નિવેદન આપ્યું હતું. આ પછી પાર્ટીએ તેમના નિવેદનથી દૂરી કરી લીધી છે. જો કે, મહુઆ મોઇત્રા હાલમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને ફોલો કરી રહી છે.
હકીકતમાં, ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદ ચાલુ છે. જેમાં મા કાલી સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે તેમના એક હાથમાં LGBT સમુદાયનો રંગબેરંગી ધ્વજ પણ દેખાઈ રહ્યો છે, આ દસ્તાવેજી ફિલ્મ ફિલ્મમેકર લીના મણિમેકલાઈની છે. મહુઆ મોઈત્રાએ એક ખાનગી કાર્યક્રમમાં આ વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે, તમે તમારા ભગવાનને કેવી રીતે જોશો. જો તમે ભૂટાન અને સિક્કિમ જાવ તો સવારની પૂજામાં ભગવાનને વ્હિસ્કી ચઢાવવામાં આવે છે, પરંતુ જો તમે ઉત્તર પ્રદેશમાં કોઈને આ આપો છો તો તેની લાગણીને ઠેસ પહોંચી શકે છે. મારા માટે કાલી દેવી માંસ ખાનાર અને શરાબ પીનારના રૂપમાં છે. કાલી દેવીના અનેક સ્વરૂપો છે. મહુઆના આ નિવેદનનો વિરોધ વધી ગયો ત્યારે ટીએમસીએ આ નિવેદનથી અંતર બનાવી લીધું છે. પાર્ટીએ કહ્યું છે કે, દેવી કાલી પર મહુઆ મોઇત્રાની ટિપ્પણી તેમના અંગત મંતવ્યો છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ આવી ટિપ્પણીઓની સખત નિંદા કરે છે.
વિવાદ વધતાં મહુઆ મોઇત્રાએ સ્પષ્ટતા કરી હતી કે, તમે બધા સંઘીઓ સાથે ખોટું બોલવાથી તમે વધુ સારા હિન્દુ નહીં બની શકો. મેં ક્યારેય કોઈ ફિલ્મ કે પોસ્ટરને સમર્થન આપ્યું નથી. તેમજ ધુમ્રપાન શબ્દનો ઉલ્લેખ પણ કર્યો નથી. મારી પાસે એક સૂચન છે. ભોગ તરીકે શું ચઢાવવામાં આવે છે તે જોવા માટે તમે તારાપીઠ ખાતે મારી માતા કાલીની મુલાકાત લો. જય મા તારા.