બહુચર્ચિત પંજાબી પોપ સિંગર અને કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સિદ્ધુની હત્યામાં સામેલ ત્રણ બદમાશોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સિદ્ધુ મૂસેવાલાની હત્યાને અંજામ આપનારા બે શૂટર્સ સહિત ત્રણની ધરપકડ કરી છે. મોટી વાત એ છે કે આ ત્રણેય ગુજરાતના કચ્છમાં છૂપાયા હતાં. તેઓ પાસેથી હેન્ડ ગ્રેનેડ અને ઇલેક્ટ્રોનિક ડિટોનેટર જેવા દારુગોળા સબિત ઘાતક હથિયારો પણ હતાં.
મૂસેવાલા મરર્ડર કેસમાં દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલે ગુજરાતના કચ્છમાં મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. ટેકનીકલ સર્વેલન્સ અને સીસી કેમેરા ફૂટેજથી પગેરુ દાબતાં પોલીસ ગુજરાતના કચ્છ વિસ્તારમાં પહોંચી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા આ ત્રણ શૂટરોમાંથી એકનું નામ પ્રિયવ્રત ઉર્ફે ફૌજી છે, જે સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. આરોપ છે કે પ્રિયવ્રતે સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા સમયે પ્રિયવ્રતા ગોલ્ડી બ્રારના સંપર્કમાં હતી. મુસેવાલાની હત્યા પહેલા ફતેહગઢના પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવીમાં પણ તે દેખાઈ રહ્યો હતો.

દિલ્હી પોલીસે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ અન્ય શૂટર કશિશ ઉર્ફે કુલદીપની પણ ધરપકડ કરી છે. કુલદીપ હરિયાણાના ઝજ્જરનો રહેવાસી છે. કુલદીપ સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ સામેલ હતો. ફતેહગઢના સીસીટીવીમાં કશિશ પણ દેખાઈ રહ્યો હતો. દિલ્હીથી પકડાયેલા ત્રીજા શૂટરનું નામ કેશવ કુમાર છે. કેશવે જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કર્યા બાદ તમામ શૂટરોને ભાગવામાં મદદ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડા રહેતાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના દોરી સંચાર હેઠળ જ મૂસેવાલાનું મર્ડર કરાયું હતું. આ હત્યા માટે અગાઉ 8 વખત રેકી કરવામાં આવી હતી. આઠ આઠ વખત કામ પાર ન પડતાં ગોલ્ડી અકળાયો પણ હતો. નવમી વખત કામ પુરુ થવું જ જોઇએ એમ કહી ગોલ્ડીએ જરુર પડ્યે હેન્ડ ગ્રેનેડથી આખી કાર ઉડાવી દેવાની સૂચના પણ આપી હતી. એટલું જ નહીં આ માટે શૂટરોને હેન્ડ ગ્રેનેડ પણ પુરા પાડવામાં આવ્યા હતાં, આ હેન્ડ ગ્રેનેડ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ડિટોનેટર પણ નોંઘપાત્ર માત્રામાં ઝડપાયેલા શૂટર્સ પાસે કબજે લેવાયા છે. હેન્ડ ગ્રેનેટ ફાયર કરવા માટેના લોન્ચર પણ તેમની પાસે મળ્યા છે. એકે 47 સાથે એટેચ કરી ફાયર કરી શકાય એવા આ ગ્રેનેડ હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.