મહારાષ્ટ્રમાં નાસિકમાં 35 વર્ષિય મુસ્લિમ આધ્યાત્મિક ગુરુ ખ્વાજા સૈયદ ચિશ્તીની મંગળવારે ચાર અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ મામલો યેવલાનો છે. નાસિક પોલીસે જણાવ્યું છે કે, મુસ્લિમ આધ્યાત્મિક ગુરુ અફઘાનિસ્તાન સાથે નાતો ધરાવતા હતા. હુમલાખોરોએ તેમના માથામાં ગોળી મારી હતી. જે બાદ ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું હતું. જો કે, હજૂ સુધી હત્યાનું કારણ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
તપાસ સાથે સંકળાયેલાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના મુંબઈથી લગભગ 200 કિમી દૂર યેવલા પાસેના એમઆઈડીસી વિસ્તારમાં એક ખુલ્લી જગ્યા પર સાંજના સમયે થઈ હતી. મૃતકની ઓળખાણ ખ્વાજા સૈયદ ચિશ્તી તરીકે થઈ છે. જેને યેવલામાં સૂફી બાબાના નામથી ઓળખવામાં આવે છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાખોરો સુફી બાબાની હત્યા કરીને તેમની એસયુવી ગાડી લઈને ઘટના સ્થળેથી ભાગ્યા હતા. જો કે કહેવાય છે કે, પોલીસે આ ગાડી પકડી પાડી છે. પણ હુમલાખોરોનો કોઈ ભેદ ઉકેલાયો નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, યેવલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાયો છે અને હત્યારાઓની શોધ ચાલી રહી છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ હત્યા બાદ પોલીસતંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. મુસ્લિમ આધ્યાત્મિક ગુરૂની હત્યા એવા સમયે થઈ છે, જ્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મેડિકલ સ્ટોર સંચાલક ઉમેશ કોલ્હેનું ગળું કાપીને હત્યા કરી નાખવામા આવી છે. આ ઘટના બાદ રાજ્યમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. આ ઘટનાના કોઇ અનિચ્છનીય પડઘા ન પડે એની તકેદારી રાખતાં તંત્રએ પગલાં ભર્યા હોવાનું જાણવા મળે છે. જો કે, પોલીસે આ હત્યાકાંડમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની સાથે પૂછપરછ થઈ રહી છે. પોલીસે આ કેસમાં માસ્ટરમાઈન્ડ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.