કતર બાદ કુવૈત, ઈરાન, સાઉદી અરેબિયા અને પાકિસ્તાને પણ પયગંબર મોહમ્મદ પર ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. આથી કતર અને કુવૈત બાદ હવે ઈરાને પણ ભારતીય રાજદૂતને બોલાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ‘ભારતના બીજેપી નેતાઓની અમારા પ્રિય પયગંબર વિશેની દુખદાયક ટિપ્પણીની હું સખત નિંદા કરું છું’. બીજી તરફ ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત સરકારને આવા નિવેદનો સાથે કોઈ લેવાદેવા નથી.
ઈરાનના વિદેશ મંત્રાલયે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને તેહરાન ખાતેના ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા. બેઠક દરમિયાન, ભારતીય રાજદૂતે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ટિપ્પણી સ્વીકાર્ય નથી. ભારત સરકારને આવા નિવેદનો અને ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. ભારતમાં તમામ ધર્મોને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. ભારતીય રાજદૂતે કહ્યું કે નવીન કુમાર જિંદાલને આવી ટિપ્પણી કર્યા બાદ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે તેઓ સરકારમાં કોઈ પદ પર નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભાજપના નેતાઓની ટિપ્પણીની નિંદા કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘હું મારા પ્રિય પયગંબર વિશે ભારતના બીજેપી નેતાઓની કષ્ટદાયક ટિપ્પણીઓની સખત નિંદા કરું છું. મેં વારંવાર કહ્યું છે કે મોદીના નેતૃત્વમાં ભારત ધાર્મિક સ્વતંત્રતાને કચડી રહ્યું છે અને મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દુનિયાએ આ તરફ ધ્યાન આપવું જોઈએ. પવિત્ર પ્રોફેટ માટે આપણો પ્રેમ સર્વોચ્ચ છે. બધા મુસ્લિમો તેમના પવિત્ર પયગમ્બરના પ્રેમ અને આદર માટે તેમના જીવનનું બલિદાન આપી શકે છે.
કુવૈતે પયગંબર મોહમ્મદ પર ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને નિવેદન બહાર પાડ્યું છે. તે આવી ટિપ્પણીઓને વખોડે છે. આ સાથે ભારતીય રાજદૂત સિબી જ્યોર્જને પણ બોલાવવામાં આવ્યા છે. કુવૈતના વિદેશ મંત્રાલયના કાર્યાલય દ્વારા અરબી ભાષામાં એક ટ્વિટ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કુવૈત સરકારે ભારતના રાજદૂતને બોલાવ્યા છે. અમે આવા વિવાદાસ્પદ નિવેદનોની નિંદા કરીએ છીએ. કુવૈતે ભારતમાં સત્તાધારી પક્ષના નેતાઓની ટિપ્પણીના વિરોધમાં રાજદૂત સિબી જ્યોર્જને સત્તાવાર નોંધ પણ સોંપી હતી.
તેના જવાબમાં, કુવૈતમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારતીય રાજદૂતે કુવૈતના વિદેશ કાર્યાલયને કહ્યું કે વિવાદાસ્પદ ટિપ્પણી ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી.