કટક : લગ્ન જીવન કહો કે દાંપત્ય જીવનમાં ખટરાગ સામાન્ય બાબત ગણાવાય છે. મીઠાં ઝઘડાઓ થતાં હોય તો બધુ બરાબર છે એવું પણ માનવામાં આવે છે. ઘણી વખત મતભેદ ધીરે ધીરે મનભેદ બની જાય, ઝઘડાઓ ગંભીર બને અને સાથે રહેવાનું શક્ય જ નથી એવું લાગતા દંપતિ છૂટુ પણ પડે છે. છૂટાછેડા પણ હવે સહજ રીતે લેવાતી બાબત બની ચૂકી છે. જો કે એમાં પણ કેટલાક એવા કિસ્સાઓ હોય છે જે ચર્ચાનો વિષય બને છે. હાલ ઓરિસ્સાના એક સાંસદ અને તેમની ગ્લેમરસ એક્ટ્રેસ પત્નીના છુટાછેડા ચર્ચાન વિષય બન્યા છે.
ઓરિસ્સાના કટક જિલ્લાની સ્થાનિક અદાલતે બીજુ જનતાદળ પાર્ટીના સાંસદ અનુભવ મોહંતીથી અલગ થઈ ગયેલી તેમની એક્ટ્રેસ પત્ની વર્ષા પ્રિયદર્શિનીને મોહંતીનુ વારસાગત ઘર ખાલી કરવા માટે આદેશ આપ્યો છે. તેની સાથે સાથે કોર્ટે મોહંતીને વર્ષા પ્રિયદર્શિનીને દર મહિને 30000 રૂપિયા આપવા માટે પણ કહ્યુ છે. જેથી તે શહેરમાં બીજી જગ્યાએ રહી શકે. કોર્ટે વર્ષાને ઘર ખાલી કરવા માટે બે મહિનાનો સમય આપ્યો છે.
વર્ષા ઉરિયા ફિલ્મોની લોકપ્રિય હીરોઈન છે. સાંસદ મોહંતીએ તેની સાથે લગ્ન કર્યા હતા. જોકે 6 વર્ષ અગાઉ સાંસદે પોતાની પત્ની સામે કોર્ટમાં પિટિશન કરીને કહ્યુ હતુ કે, લગ્નના આઠ વર્ષ થઈ ગયા પણ મારી પત્ની મને તેની સાથે શારીરિક સબંધો બનાવવાની પરવાનગી આપતી નથી.આ બાબતે મેં ઘણી વખત તેની સાથે વાત કરી છે. તેની સામે વર્ષાએ પણ સામે પિટિશન કરીને કહ્યુ હતુ કે, મારો પતિ દારૂડિયો છે અને બીજી મહિલાઓ સાથે તેના સબંધો છે. દરમિયાન કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યુ હતુ કે, પતિ-પત્નીના વિવાદના કારણે મોહંતીના વૃદ્ધ માતા પિતા પોતાના ઘરની બહાર રહી રહ્યા છે અને વર્ષા મોહંતીના વારસાગત ઘરમાં રહે છે. જેના પગલે કોર્ટે વર્ષાને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.