અમદાવાદ : આંતકી પ્રવૃતિ માટે વિદેશથી મોકલાતી નાણાંકીય મદદ ઉપર લગામ કસવા સરકારે નવો કાયદો તો બનાવ્યો પરંતુ ભાંગફોડિયાં તત્ત્વોએ વિદેશી ફંડિંગ મેળવવા નવી તરકીબ શોધી કાઢી હતી. જેને એટીએસ દ્વારા ઝડપી ચારની પૂછપછર શરૂ કરાઇ છે. જેમાં વડોદરાના તબીબ ઉપરાંત એક યુવતી સામેલ છે. જે ISISના હેન્ડલરના સંપર્કમાં હોવાની શંકા સેવાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે એટીએસ દ્વારા ગુજરાતમાં આતંકીઓનું નવું મોડ્યુલ શોધી કાઢી તેના જડ સુધી પહોંચવા કવાયત શરુ કરાયાનું કહેવાય રહ્યું છે.
મહંમદ પયંગબર અને મસ્જિદ મામલે ભાજપના પૂર્વ પ્રવક્તા દ્વારા કરાયેલા કથિત વિવાદાસ્પદ નિવેદને કટ્ટરવાદીઓને જાણે એક તક પુરી પાડી છે. પોતાના વિચાર વિસ્તાર માટે આ મુદ્દાને સુનિયોજીત રીચે ચગાવવામાં આવી રહ્યો છે. વિરોધ પ્રદર્શનની આડમાં તોફાનો કરાવાઇ રહ્યા છે. એટલું જ નહીં આતંકી સંગઠનોએ પણ આ આગમાં ઘી રેડવાનું શરુ કરાયું છે. તાજેતરમાં અલ કાયદાએ ભારતના વિવિધ રાજ્યમાં હુમલો કરવાની ધમકી આપ્યાં બાદ કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ હતી અને રાજ્યના એટીએસ વિભાગે પણ રાજ્યમાં ચાલતી આતંકી ગતિવિધિ અને એમાં સામેલ લોકોની તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવતા તાત્કાલિક પગલાં લેવાનુ શરૂ કર્યું હતું. જેના ભાગ રૂપે બુધવારે વેહલી સવારે એ ટી એસ ની ટીમે વડોદરાનાં વાડી તાઇવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા નામની યુવતીને અમદાવાદ લઇ જઇ પૂછપરછ શરૂ કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવા મોડ્યુલ સાથે સંકળાયેલા ગોધરાના ભંગારનાં વેપારી ઇશાકની પણ એટીએસની બીજી ટીમે એ જ સમયે પૂછપછર કરી હતી જ્યારે અમદાવાદ દાણીલીમડાના એક ફેક્ટરી સંચાલક પઠાણની પણ એટીએસએ દ્વારા લાંબી પૂછપરછ શરૂ કરી હતી જે ગુરુવાર સુધી ચાલી હતી. એટીએસની તપાસમાં આ ચાર શકમંદો આઇ એસ આઇ એસના હેન્ડલર સાથે સોશિયલ મીડિયા થી સતત સંપર્કમાં રહેતા હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસની નજરથી બચવા વિદેશથી બેંકના અંગત ખાતામાં નાની નાની રકમ અલગ અલગ ખાતાઓમાં મેળવતા હતા. એટીએસ આ શંકાસ્પદ લોકોએ કરેલા ચેટની પણ તપાસ કરી રહી છે જેમાં વધુ વિગતો બહાર આવી શકે છે એમ સૂત્રોએ ઉમેર્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરા ના ડૉ. સાદાબ પાનવાલા અને સાબિહા સોશિયલ મીડિયા થકી સતત આઇએસઆઈએસના હેન્ડલરના સંપર્કમાં રહેતાં હોવાની શંકા આધારે એમના લેપટોપ અને મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે,જેમાં તાલીમબદ્ધ નિષ્ણાતો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલા ચેટમાં અન્યોની સંડોવણી પણ બહાર આવી શકે છે. વધુંમાં મળતી માહિતી અનુસાર એનજીઓના નામે વિદેશથી ફંડ મેળવી ગેરકાયદે પ્રવૃતિ કરનારા સામે સરકારે કડક કાયદા બનાવ્યા છે. જેથી ચેનલ બંધ કરતા હવે આવા તત્વોએ પર્સનલ બેંક ખાતાઓમાં નાની રકમ મોકલવાનું શરુ કર્યું હતું. વડોદરાના તબીબ અને યુવતીના ખાતામાં પણ આવી રકમ આવી હોવાથી બંનેની લાંબી પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું મનાય છે.