મહારાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી રાજનૈતિક ધમાસાણ ચાલી રહ્યું છે. ઉધ્ધવ સરકાર સામે બાંય ચઢાવનારી શિંદેસેનાએ સુપ્રિમ કોર્ટમાંથી રાહત મેળવ્યા બાદ હવે આગળની ગતિવિધિઓ તેજ થઈ રહી છે. હવે અહીં એક મોટો રાજનીતિક વળાંક આવવાની તૈયારીઓ થઈ ચુકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 30 જૂનના દિવસે પ્રહાર પાર્ટીના 2 ધારાસભ્યો મહા વિકાસ આઘાડી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારે હવે મહારાષ્ટ્રની રાજનીતિ માટે આગળના 2 દિવસ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રહાર પાર્ટીએ આ બાબતે રાજભવન પાસે સમય માંગવાની તૈયારી પણ કરી લીધી છે. મહત્વનું છે કે, હાલ પ્રહાર પાર્ટીના આ બંને ધારાસભ્યો હાલ શિંદે જૂથ સાથે ગુવાહાટીમાં છે. આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપા અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્રમાં આગળની સરકાર બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, નેતાઓ આગળની સરકારના ગઠન માટેના નિયમો અંગે પહેલાં જ ચર્ચા કરી ચુક્યા છે.
કેબિનેટમાં ભાજપના 28 મંત્રી હશે જેમાં 26 મંત્રી શપથ લેશે. જ્યારે કેબિનેટમાં શિંદે જૂથના 12 મંત્રી હશે. જેમાં 10 મંત્રીઓ શપથ લેશે. 6 ધારાસભ્યએ એક મંત્રી પદ મળશે તેવું પણ નક્કી થઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બધા રાજકીય ડ્રામા વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે.
સૂત્રો અનુસાર ભાજપ અને એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોમાં હાલની સરકારમાંથી બરખાસ્ત થયેલા 9 મંત્રીઓને ફરીથી મંત્રીપદ અપાશે. બળવાખોર જૂથની વાત કરીએ તો, એકનાથ શિંદે પાસે હાલ 40 ધારાસભ્યો છે. એવામાં તેમની પાસે 6 કેબિનેટ અને 6 રાજ્યમંત્રી આવી શકે છે. જો કે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે, શરુઆતમાં 4 મંત્રીપદ ખાલી રાખવામાં આવશે. જેમાં પાછળથી બે મંત્રી પદ એકનાથ શિંદે ગ્રુપ અને બે મંત્રી પદ ભાજપના ધારાસભ્યોને ફાળવી દેવામાં આવશે.
આ બધી વાતો કહો કે બાબતો હજી જો અને તો આધારિત છે. ઉધ્ધવ સરકાર દ્વારા નારાજ ધારાસભ્યોને ફરી પોતાની સાથે જોડવા શામ,દામ,દંડ,ભેદની નિતિ અપનાવાઇ રહી છે. આ બાબત શિંદેથી પણ અજાણ નથી. ભાજપ મોવડી મંડળ પણ આની ઉપર બારિકાઇથી નજર રાખી રહ્યું છે. ઉધ્ધવ સરકારને હવે વધું સમય આપવો નારાજ જૂથને પાલવે એમ નથી. આ જોતા હવે આગામી 48 કલાકમાં મોટા નિર્ણયો લેવાય, નવા ગઠબંધન અંગે તડજોડ થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.