ટોમેટો ફ્લૂ બાદ હવે કેરળમાં નોરોવાઈરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. ચેપગ્રસ્ત બંને દર્દીઓ બાળકો છે. તિરુવનંતપુરમની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલા બંને વિદ્યાર્થીઓ હાલ સ્વસ્થ છે, પરંતુ કેરળના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર બંને દર્દીઓને શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા ને ત્યારબાદ તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
નોરોવાઈરસ એટલે શું?
અમેરિકાની આરોગ્ય એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર નોરોવાયરસ ઝડપથી ફેલાતો વાયરસ છે. આનાથી લોકોને ઉલટી અને ઝાડા થવાની ફરિયાદ થાય છે. નોરોવાઇરસને ‘પેટનો ફ્લૂ’ અથવા ‘વિંટર વોમિટીંગ બગ’ પણ કહેવામાં આવે છે. જોકે, તેનો રોગ ફ્લૂ કે ઇન્ફલ્યુએન્ઝા વાઈરસ સાથે સંબંધિત નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર નોરોવાયરસ એ ખાવાની વસ્તુઓને કારણે થતો નંબર 1 વાયરસ છે અને તે ખાવાથી થતાં મૃત્યુનું ચોથું સૌથી મોટું કારણ છે.
નોરોવાઈરસ કેવી રીતે ફેલાય છે?
નોરોવાઈરસ એકવાર નહીં, પરંતુ વારંવાર વ્યક્તિને ચેપ લગાવી શકે છે. તે ચેપગ્રસ્ત ખોરાક અથવા પીવાની વસ્તુઓથી ફેલાય છે. આ ઉપરાંત સંક્રમિત દર્દી કે તેની વસ્તુઓને સ્પર્શ કરવાથી પણ નોરોવાઈરસ ફેલાવાની શક્યતા વધુ રહે છે. CDCના જણાવ્યા મુજબ દર્દી નોરોવાયરસના અબજો કણોને વહાવે છે.
નોરોવાઈરસથી કેવી રીતે બચવું?
અત્યારે નોરોવાયરસ માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. તેથી, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાથી જ તમે આ ચેપ સામે રક્ષણ મેળવી શકો છો….
જમતાં પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુથી તમારા હાથને સારી રીતે ધોઈ લો.
પ્રાણીઓના સંપર્કમાં આવવાનું ટાળો.
ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા પછી તરત જ સાબુથી હાથ ધોવા.
ફળો અને શાકભાજીને ખાતાં પહેલાં તેને સારી રીતે ધોઈ લો.
શરીરમાં પાણીની ઉણપ ના આવવા દો.
જો ચેપ લાગ્યો હોય તો લક્ષણો ચાલ્યા ગયા પછી પણ બે દિવસ ઘરે રહો.
જ્યારે ચેપ લાગે ત્યારે અન્ય લોકો માટે રસોઈ કરવાનું ટાળો.