અમદાવાદ, 5 જુલાઈ.
અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં 24મી જુનના રોજ સવારે આશરે 6:૦૦ વાગ્યાની આસપાસ બેફામ વાહનચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો. મોર્નિંગ વોક કરવા નીકળેલા ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પ્રજાપતિને અડફેટમાં લીધા બાદ તેમનું મૃત્યુ થયુ હતુ. પ્રથમ દ્રષ્ટિએ હીટ એન્ડ જેવી આ ઘટના જણાતી હતી. જોકે આ કેસમાં પોલીસ તપાસ આગળ વધતા હવે નવો વળાંક સામે આવ્યો છે. પોલીસે CC કેમેરા ફૂટેજ મેળવી તેનું એનાલીસીસ કરતાં માત્ર અકસ્માત લાગતો આ બનાવ વાસ્તવમાં એક મર્ડર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિને કચડી માર્યો હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે.
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 24મી જુનની સવારે માર્ગ અકસ્માતની ઘટના ઘટી હોવાનો કોલ મળ્યો હતો. બોલેરો પીક-અપ વાનની અડફેટે આવેલ શૈલેષભાઈનું નિધન થયું હતું. હીટ એન્ડ રન જેવી આ ઘટનામાં પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં ખૂબ ચોંકવનારી વાતો બહાર આવી હતી. પોલીસે કરેલા ઘટસ્ફોટમાં જાણવા મળ્યું છે કે આ એક અકસ્માત નહિ પરંતુ જાણી જોઈને કરાવવામાં આવેલ હત્યા હતી. આ કેસમાં શૈલેષભાઇની પત્નીએ જ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરાયાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યુ કે અકસ્માતમાં મૃત્યુ પામનારા શૈલેષભાઇની પત્ની શારદાબેન ઉર્ફે સ્વાતીએ પોતાના પ્રેમી એટલે નિતીનભાઇ કાનજીભાઇ પ્રજાપતિ સાથે મળીને પોતાના જ પતિના મર્ડરનું પ્લાનિંગ કર્યું હતુ. શારદાબેન અને નિતીન પ્રજાપતિ વચ્ચે 2 વર્ષથી આડા સંબંધો હતા.
નિતિનભાઇ પ્રજાપતિ અને શૈલેષભાઇ બંને એક જ ગામના હતા જેથી બંનેને એકબીજાના ઘરે આવવા જવાના સંબંધો હતો. આ સંબંધો દરમિયાન નિતીન પ્રજાપતિ અને મરણ પામનારની પત્ની સ્વાતિને એકબીજા સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા.
આ સિવાય જમીન વેચ લે ધંધામાં છેલ્લા એક-બે વર્ષથી ભાગીદાર બન્યા હતા જેથી કોઇ રોક ટોક વગર નિતીન પ્રજાપતિ અવારનવાર શૈલેષભાઇના ઘરે આવતો હતો. જોકે શૈલેષભાઇને પત્ની અને નીતિન પ્રજાપતિના આડા સંબંધની જાણ થઇ ગઇ હતી જેથી પત્ની સાથે તેમના અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા અને શારદા બેન અને નિતિન પ્રજાપતિનુ મળવાનુ પણ બંધ થઇ ગયુ હતુ.
બન્ને પ્રેમીઓ એકબીજાને મળી શક્તા ન હતા, એકબીજા વગર રહી શકે તેમ ન હતા તેમજ શૈલેષ પ્રજાપતિને બંને પોતાના પ્રેમમાં અડચણરૂપ લાગવા લાગ્યા જેથી પોતાના પ્રેમ વચ્ચેના આ કાંટાને દુર કરવા માટે આ મર્ડર કરાવ્યુ હતુ.
નીતિન પ્રજાપતિએ તેના ઓળખીતા જ યાસીન ઉર્ફ કાણીયાને શૈલેષભાઇ પ્રજાપતિને મારી નાંખવા માટે 10 લાખની સોપારી આપી હતી અને આ મર્ડરને અંજામ આપ્યો હતો તેમ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે.