સુરત : સુરતમાં ચરસ, ગાંજો, બ્રાઉનસુગર અને એમડી ડ્રગ્સ વેચાતું હોવાનું બધા જાણે છે. પોલીસ દ્વારા આ માદક પદાર્થો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં હજી તેને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી શકાયું હતું. શહેરનું યુવાધન આ નશો કરતું હોવાથી પણ તંત્ર તેને ગંભીરતાંથી લઇ દાખલારુપ કાર્યવાહી કરતું આવ્યું છે. જો કે નશીલા પદાર્થોમાં જેની ગણતરી સૌથી મોંઘા ડ્રગ્સમાં કરવામાં આવે છે એ કોકેન પણ સુરતમાં લાવી વેચવામાં આવતું હોવાનો પર્દફાશ એસઓજી દ્વારા કરાયો છે. એસઓજીએ 39.10 લાખ કિંમતના કોકેન સાથે મુંબઈના દંપતીને સુરત કડોદરા રોડ ઉપર નિયોલ ચેકપોસ્ટ પાસેથી પકડી પાડતા ખળભળાટ મચી હતી. એમડી ની માફક કોકેન વેચાણનું કેન્દ્ર પણ રાંદેર હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક તપાસમાં થયો છે.

એસઓજી પાસે મળતી માહિતી અનુસાર મુંબઈથી લક્ઝુરિયસ કારમાં કોકેન લઈને સુરતના રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને ડીલીવરી કરવા આવેલા દંપતીને નિયોલ ચેક પોસ્ટ પાસે ઝડપી લેવાયું હતું. ફોર્ચ્યૂનર ગાડીમાં આવેલા આ દંપતિ પૈકી મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિ.લી કોકેન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કુલ કિંમત 39.10 લાખ રૂપિયા છે. મૂળ જામનગરના રહેવાસી અને મુંબઈમાં રહેતા 51 વર્ષીય ઈબ્રાહીમ હુસૈન ઓડિયા અને તેની 47 વર્ષીય બીજી પત્ની તનવીર ઈબ્રાહીમ ઓડિયા પાસેથી સુરત SOGને 5 મોબાઈલ, 212 લાખ રોકડ અને દસ લાખ રૂપિયાની ફોરચુનર ગાડી મળી કુલ 51.68 લાખની મતા કબજે કરી છે. ડ્રગ્સની હેરાફેરી કરવા માટે તેવો લક્ઝરી કાર ઉપયોગમાં લેતા હતા.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમને એક કિલો કોકેનની બાતમી મળી હતી, પરંતુ શક્ય છે કે આ લોકો દ્વારા રસ્તામાં (Couple Drug Case in Surat) કોઇ અન્ય વ્યક્તિને સપ્લાય કરવામાં આવી હોય જેથી કોલ્સ ડિટેલના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. મુંબઈના ઈબ્રાહીમ MD અને કોકેનની લત લાગી હતી. બાદમાં વેપારમાં સારા રૂપિયા મળતા તેણે વેચાણ પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત અન્ય સુરતના ત્રણ પેડલરોને તે સપ્લાય કરતો હોવાની પણ આશંકા છે. જાણવા મળ્યું છે કે તે ઇસ્માઈલના ઘરે બેથી ત્રણ વખત MD ડ્રગ્સ અને કોકેનની ડિલિવરી કરી ચૂક્યો છે. ઇબ્રાહિમને કોકેન મુંબઈમાં નાઇજીરિયન કેન્હિલ નામના શખ્સને આપ્યું હતું. જે આફ્રિકન દેશોમાંથી ચોરીછૂપીથી લાવી મુંબઈમાં મોટા પેડલર સપ્લાય કરે છે. ઈસ્માઈલ હાલ વોન્ટેડ છે અને સુરતમાં હત્યાની કોશિશનો ગુનો પણ તેની ઉપર નોંધાયેલો છે.