અમદાવાદ : યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કમલમ ખાતે હાર્દિક પટેલને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી. હાર્દિક પટેલે આજે સવારે પોતાના ઘરે દુર્ગા પૂજા કરી હતી અને ત્યાર બાદ સ્વામીનારાણય મંદિર ખાતે પૂજા કરીને સંતોના આશીર્વાદ લીધા હતા.
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આજે C.R. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે હાર્દિક પટેલે જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘હું આજે ભાજપમાં જોડાયો છું ત્યારે 2015માં સમાજના હિતની ભાવના સાથે કામની શરૂઆત કરીશ. જ્યારે રાષ્ટ્રના હિતનું કામ હોય ત્યારે રાજા જ નહીં સૈનિકની પણ જરૂર છે, એટલે હું આજે એક સૈનિકની ભૂમિકામાં જોડાઉ છું ત્યારે હું રાષ્ટ્રના હિત માટે ભાજપમાં જોડાયો છું. ગુજરાતના અસંખ્ય લોકો રાષ્ટ્રહિત માટે કામ કરવા તત્પર છે. મે અનેક વાર કોંગ્રેસમાં જનહિત માટે ચર્ચા કરી છે પરંતુ કોંગ્રેસે કોઈ જ કાર્ય કર્યું નથી. હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ, રાજ્યમાં એક નાના કાર્યકરના રૂપમાં કામ કરીશ.’
હાર્દિકે કહ્યું કે, ‘ભાજપે જે ગુજરાત માટે, જનતા માટે અને દેશ માટે જે કામ કરવાનો પ્રયાસ કર્યો છે તેની અંદર માત્ર હાર્દિક પટેલ જ નહીં પરંતુ ગુજરાતના કરોડો લોકો તેમાં સહયોગ આપવા તત્પર છે.’ અનામત આંદોલન દરમિયાન મૃત્યું પામેલા યુવકોના મુદ્દે તેણે જણાવ્યું હતું કે આગામી 2 મહિનામાં શહીદ પાટીદાર યુવા નેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા અને માંગણી છે તે પૂરી કરીશું.
વધુમાં કહ્યું કે, ‘મે ભગવાન રામના મંદિર માટે સહયોગ કરવાની પણ કોંગ્રેસને વાત કરી હતી. પરંતુ કોંગ્રેસે તેમાં પણ સહયોગ ન કર્યો. કોંગ્રેસે રામશીલા મામલે અભદ્ર ટિપ્પણી કરી છે. કોંગ્રેસે જનતાની સાથે ઊભું રહેવાનું એક પણ કામ નથી કર્યું.’
- હાર્દિકે જણાવ્યું કે, હું અહીં રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરી, પરંતુ મને લોકોએ કહ્યું હતું કે તમે ઘરમાં જ આવ્યા છો.
- હાર્દિક પટેલે આંનદીબેન પટેલને યાદ કરીને જણાવ્યું હતું કે, આનંદીબેન પટેલ મારા પિતાને રાખડી મોકલતા હતા. આનંદીબેન પટેલ મારા ફઈ બા છે. મારા પિતાજી ભાજપ માટે કામ કરતા હતા.
- હાર્દિકે જણાવ્યું કે, અમારું આંદોલન સરકાર સામે હતું અને સરકારે જ પૂર્ણ કર્યું. ભાજપમાં મને સારી રીતે કામ કરવાની તક મળશે. હું ઘરમાં પાછો ફરી રહ્યો છું. કોંગ્રેસે રામ મંદિર આધારા શિલા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસમાં હતો, ત્યારે પણ પીએમના નિર્ણયોની પ્રશંસા કરતો હતો. કરોડો લોકો ભાજપ સાથે જોડાઈને દેશ સેવા કરવા માંગે છે. કોંગ્રેસના લોકોએ મારા પર અનેક આક્ષેપ કર્યા.
- હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપને ગાળો આપી એ વાત સાચી છે, પરંતુ હવે ઘરનો દીકરો માં બાપ પાસે માંગણી કરે છે. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને. એ રીતે પણ અમે આંદોલન સમયે ઝઘડ્યા હતા.
- હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપમાં જોડાઈને આંદોલનનમાં શહીદ થયેલા પરિવારોને નોકરી અપાવીશું. પાટીદાર સાથીદારોને વધુ સહાય અપાવવાનો પ્રયાસ કરીશું.
- હાર્દિકના ભાજપ પ્રવેશ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને અનેક વેધક સવાલ કર્યા હતા. તેમણે જગદીશ ઠાકોરે જણાવ્યું કે, હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવોએ કેવી મજબૂરી. કાનના કીડા સરી પડે એવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો. તમારે કેમ આવવા લોકોને લેવા પડે છે. જ્યાં જાવ ત્યાં ઠરીને રહેવાની હાર્દિકને જગદીશ ઠાકોરે સલાહ આપી હતી.