રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સમય, સંજોગો અનુસાર તેમના વિચારો વ્યક્ત કરી સ્વયંસેવકો અને ભાજપનું માર્ગદર્શન કરતાં રહે છે. નાગપુર ખાતે તેમણે કહ્યું હતું કે ઇતિહાસ કદી બદલી શકાતો નથી. સંઘ પ્રમુખે તેમના સંબોધનમાં હિન્દુ ધર્મને મજબૂત બનાવવાની પણ લોબિંગ કરી છે. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મને વધુ તાકતવર બનાવવાનો છે. પરંતુ ન ખુદ ડરવાનું છે અને ન કોઈને ડરાવવાના છે. તમામને સાથે મળીને રહેવાનું છે અને વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થવાનું છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવત તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગ તૃતીય વર્ષ 2022ના સમાપન સમારોહમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, હવે RSS મંદિરોને લઇને કોઈ આંદોલન નહીં કરે. તેમણે પોતાના નિવેદનો દરમિયાન રામ મંદિર આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો. મોહન ભાગવતના અનુસાર, રામ મંદિર આંદોલનમાં તેમની સંસ્થાએ જરૂર ભાગ લીધો હતો. કોઈ આ વાતને નકારી નથી રહ્યું. ત્યારે સંસ્થાએ પોતાની મૂળ પ્રવૃતિના વિરોધમાં જઇને આ આંદોલનમાં ભાગ લીધો હતો. પરંતુ હવે ભવિષ્યમાં સંઘ કોઈ મંદિર આંદોલનમાં નહીં સામેલ થાય. ભાગવતે જ્ઞાનવાપી મુદ્દે પણ પોતાના વિચારો રજૂ કર્યા.
ભાગવતે કહ્યું કે, ઈતિહાસને કોઈ ન બદલી શકે. જ્ઞાનવાપીનો એક મુદ્દો છે, તેને હિન્દુ-મુસ્લિમથી જોડવા ખોટું છે. ઇસ્લામે બહારથી આવી આક્રમણો કર્યા હતા. આ આક્રમણોમાં દેવસ્થાનોને તોડી પાડવામાં આવ્યા હતા. સમજૂતીથી આ વિવાદનો રસ્તો કાઢવો જોઇએ.લોકો કોર્ટમાં ગયા છે, તો કોર્ટના નિર્ણયને બધાએ માનવો જોઇએ. ન્યાયિક પ્રણાલીને સર્વોચ્ચ માનવી જોઇએ. આપણે કોર્ટના નિર્ણય સામે સવાલ ન ઉઠાવવા જોઇએ.
મોહન ભાગવત એ પણ કહેવાનું પણ ચૂક્યા ન હતાં કે હવે સંઘ દ્વારા બધી બાજુ માત્ર પ્રેમનો પ્રસાર કરવાનો છે, હિન્દુત્વભાવ સાથે આગળ વધવાનું છે. આ વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે હવે દેશમાં કોઈ પણ સમુદાય વચ્ચે લડાઈ ન થવી જોઈએ. ભારતને વિશ્વગુરુ બનવું જોઈએ અને આખી દુનિયાને શાંતિના પાઠ શિખવવા જોઈએ.મોહન ભાગવતે સંબોધન દરમિયાન રશિયા-યૂક્રેન યુદ્ધ પર પણ વાત કરી. તેમનું માનીએ તો યૂક્રેન પર રશિયાએ હુમલો કર્યો છે. પરંતુ ભારતે જે સ્ટેન્ડ લીધું છે, તે એકદમ સંતુલિત છે. તે ભારત સરકારની આ પૉલિસીને એકદમ યોગ્ય માને છે. તેમણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે રશિયા-યૂક્રેન યુદ્ધે ભારતને જણાવી દીધું કે શક્તિ સંપન્ન રહેવું જરૂરી છે.