જયપુર, 05 જુલાઈ..
મહંમદ પયંગબર અંગે કથિત આપત્તીજનક ટિપ્પણી કરનારી નૂપુર શર્માનું સમર્થન અને વિરોધ એમ બે પક્ષો વચ્ચેનું વાક્યુધ્ધ ખતમ થવાનું નામ લેતુ નથી. શર્માનું સર્મથન કરનારા ઉદેપુર અને અમરાવતીના યુવકના માથા વાઢી નંખાયા છે. કટ્ટરવાદીઓ હજી સમર્થકોને ધમકી આપી રહ્યા હતાં. આ વિવાદમાં અજમેર શરીફ દરગાહના ખાદિમે પણ ઝંપલાવ્યું છે. તેણે નૂપુર શર્માનું માથુ કાપી નાંખવાની ધમકી આપતો વીડિયો બનાવી વાઇરલ કરતાં ભારે હોબાળો મચી ગયો છે.
નૂપુર શર્માનું માથું કાપીને લાવનારને ઈનામમાં મારું મકાન આપી દેવાનું એલાન કરનારો સલમાન ચિશ્તી હજુ સુધી અજમેર પોલીસની પકડથી દૂર છે. પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે અને તેની તલાશમાં દરોડા પાડવાની પણ વાત કહેવામાં આવી રહી છે. પરંતુ સોમવારથી જ અજમેરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિની હજુ સુધી ધરપકડ નથી થઈ શકી. આ મામલો એટલા માટે ગંભીર છે કે, તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થન પર દરજી કન્હૈયાલાલની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી અને ઉશ્કેરણીજનક ભાષણને લઈને અજમેરથી પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આવી જ રીતે અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેને પણ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
અજમેરના એડિશનલ એસપી વિકાસ સાંગવાને કહ્યું કે, આરોપી નશાની હાલતમાં લાગી રહ્યો હતો અને તેની તલાશ કરવામાં આવી રહી છે. તે હજુ સુધી ફરાર છે. દરગાહ શરીફમાં રહેતા આ આરોપીની શોધ માટે એક ટીમ લગાવી દેવામાં આવી છે. તે નશાની હાલતમાં લાગી રહ્યો છે. તેણે નશાની હાલતમાં આ નિવેદન આપ્યું હતું. દરગાહ સાથે સબંધિત લોકોએ તેની નિંદા કરી છે. જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હજુ આરોપી ફરાર છે તેની શોધ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે હિસ્ટ્રીશીટર સલમાન ફોન પોતાના ઘર પર જ છોડીને જતો રહ્યો હતો જેથી તેને સરળતાથી ટ્રેસ ન કરી શકાય. તે ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. પોલીસની અનેક ટીમોએ સલમાન ચિશ્તીની શોધ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઈ પુરાવો હાથ નથી લાગ્યો. પોલીસ પર આ મામલે એક્શનમાં વિલંબનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.