સંત બનવા અથવા સન્યાસ ગ્રહણ કરવા માટે પણ હવે ઈન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. નિયમો પર ખરા ઉતર્યા બાદ જ દીક્ષા આપી સન્યાસ ગ્રહણ કરાવામાં આવશે. સંન્યાસ લેવા ઇચ્છુકોના શૈક્ષણિક દસ્તાવેજ અને તેમના ચરિત્રની પણ જાણકારી લેવામાં આવશે. છેલ્લા દિવસોમાં જે પ્રકારે સંતો પર સવાલ ઉઠ્યા, જે વિવાદો થયા એને ધ્યાનમાં રાખી આ પ્રકારની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. પંચાયતી અખાડા શ્રી નિરંજની સન્યાસ લેવા માટે ઈન્ટરવ્યુ આપવું અને નિયમો પ્રમાણે થયા બાદ જ વ્યક્તિને સંત પરંપરામાં સામેલ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર સન્યાસીઓના બીજા સૌથી મોટા શ્રી નિરંજની અખાડામાં સન્યાસ ગ્રહણ કરાવવાને લઈને નવા નિયમો તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. તેને લઈને પ્રસ્તાવ તૈયાર કરાવવામાં આવી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેની આશા છે. સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ અને પંચાયતી અખાડા શ્રીનિરંજનીના સચિવ શ્રીમહંત રવિન્દ્ર પૂરીએ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી સાથે બંધ બારણે કલાકો સુધી ચર્ચા કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ અખાડામાં એક કમિટી બનાવવામાં આવી રહી છે.
શ્રી નિરંજની અખાડા દ્વારા જે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે હેઠળ સન્યાસ ગ્રહણ કરવા પહેલા રસ ધરાવનાર વ્યક્તિએ કમિટી આગળ હાજર થવું પડશે. કમિટીની લીલી ઝંડી મળ્યા બાદ આચાર્ય મહામંડલેશ્વર સન્યાસ ગ્રહણ કરાવશે.
શ્રી નિરંજની અખાડા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા પ્રસ્તાવ હેઠળ સન્યાસી, મહંત, શ્રીમહંત અને મહામંડલેશ્વર માટે અલગ અલગ શૈક્ષણિક યોગ્યતા નક્કી કરવામાં આવશે. પ્રસ્તાવને લીલી ઝંડી મળ્યા બાદ જ આ સબંધે આખી સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. તમામ તપાસ પ્રક્રિયામાં ખરા ઉતર્યા બાદ જ વ્યક્તિને અખાડામાં સામેલ કરવામાં આવશે
શ્રી નિરંજની અખાડામાં સન્યાસ ગ્રહણ કરાવવાને લઈને હજું પંચ સિસ્ટમ લાગુ છે. 5 પંચ અખાડામાં સન્યાસ લઈને નિર્ણય કરે છે. તેના કારણે અનેક વખત ચૂકના મામલા સામે આવતા રહે છે. આ પ્રકારની સ્થિતિથી બચવા માટે પ્રથમ વખત શૈક્ષણિક યોગ્યતાની તપાસ અને ઈન્ટરવ્યુંની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો આ સિસ્ટમને લાગુ કરવામાં આવે છે તો શ્રી નિરંજની અખાડો આવું કરનાર પ્રથમ અખાડો હશે.
જૂની વ્યવસ્થા હેઠળ સંતોની પસંદગી પર અનેક સવાલો ઉઠ્યા છે. આગામી સમયમાં કોઈ પણ સંત પર કોઈ સવાલ ન ઉઠાવી શકે એટલા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
નિયમ લાગુ થતા પહેલા જ અસહમતિ : શ્રી નિરંજની અખાડા દ્વારા હજુ સુધી નિયમોનો અમલ કરવામાં આવ્યો નથી પરંતુ તેના પર અસહમતિ દેખાવા લાગી છે. પંચાયતી અખાડા શ્રી નિરંજનીમાં કરવામાં આવી રહેલી વ્યવસ્થાને લઈને જૂનો અખાડો સહમત નથી.
બીજી તરફ નિરંજની અખાડાના મહામંડલેશ્વર આચાર્ય કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે, સંત પરંપરામાં આવનાર વ્યક્તિ માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે લાંબી ચર્ચા થઈ છે. નિરંજની અખાડા આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે.