નવી દિલ્હી : ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સચોટ પૂરવાર થઈ છે. આજે 29 મેના રોજ ચોમાસાની સત્તાવાર રીતે કેરાલામાં એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, સમય કરતા ત્રણ દિવસ પહેલા ચોમાસાનુ આગમન થયુ છે.આવનારા દિવસોમાં કેરાલાની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે. આ પહેલા હવામાન વિભાગ કહી ચુકયુ હતુ કે, બંગાળની ખાડીમાં આવેલા આસની નામના તોફાનના પ્રભાવના કારણે આ વખતે ચોમાસુ સમય પહેલા કેરાલા પહોંચે તેવી શક્યતા છે.
કેરાલા પહેલા 16 મેના રોજ આંદામાન નિકોબાર સુધી ભારતનુ ચોમાસુ પહોંચી ચુકયુ હતુ અને આસની નામના તોફાનના કારણે તે આગળ વધે તેવી શક્યતા હતી.ચોમસાની એન્ટ્રી સાથે જ હવામાન વિભાગે કેરાલામાં 1 જુન સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
IMD તિરુવનંતપુરમના ડિરેક્ટર સંતોષે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ રવિવારે કેરળમાં દસ્તક આપી છે. કેરળમાં આગામી પાંચ દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. માછીમારોને 29-30 મેના રોજ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.