સુરત, તા.06 ફેબ્રૂઆરી
સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવાનનું મોત નિપજ્યુ છે. સુરતનાં ઓલપાડના સરથાણા ગામે રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટ ની એક મેચ દરમિયાન નિમેષ આહિર નામના યુવકનું મોત નીપજતાં ચકચાર મચી ગઇ હતી. જ્યારે આ યુવક ક્રિકેટ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક ઢળી પડ્યો હતો. જેનુ ત્યા સ્થળ પર જ મોત થયુ હતું. ક્રિકેટના મેદાનમાં રમતા રમતાં યુવક જીંદગીની મેચ હારી ગયો હોય એવી આ લગભગ છઠ્ઠી ઘટના ગુજરાતમાં ઘટી છે.

સુરતના આ આહિર સમાજના યુવકના અણધાર્યા મોતથી શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. જો કે મળતી માહિતી પ્રમાણે નિમેશ આહીર સારો ખેલાડી હતો. અને તેણે આજે આ ક્રિકેટ મેચમાં પણ સારુ પરફોર્મન્સ આપ્યુ હતુ. જો કે મેચ દરમ્યાન નિમેશ આહિરનું મોત થતા મિત્રો અને આહિર સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી. અચાનક ક્રિકેટ રમતા મોત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેણે તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ તેના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ સાથે અગાઉ એક મહીના પહેલા પણ ક્રિકેટ રમતા કિશન પટેલ નામના એક યુવકનુ મોત થયુ હતુ.

ઓલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે KNVSS એકતા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ ગામો પૈકી નરથાણ, વેલુક, કાછોલ, કાસલાખુર્દ, કાસલાબુજરાંગ સરસ કુદિયાણા કુવાદ સહિત આઠ ગામો વચ્ચે યુવા સંગઠન વધુ મજબૂત બને એવા શુભ આશયથી સીઝન બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકીની આજે નરથાણ અને વલુક ગામ વચ્ચે ૨૦-૨૦ ઓવરની મેચ યોજાઈ હતી. જેમાં નરથાણની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લઈ ૨૦ ઓવરમાં ૨૦૮ રન બનાવ્યા હતા. નરથાણ ગામની ટીમમાંથી 32 વર્ષીય નિમેષ આહિર નામનો નવયુવાન ખેલાડી પણ પણ રમી રહ્યો હતો. નિમેષ સમગ્ર તાલુકામાં તેની ડાઈનેમિક બેટિંગથી ખુબ જ જાણીતો હતો. આજે પણ તેણે વેલૂક ગામની ટીમ સામે ૧૮ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. જેમાં ૩ ચોગ્ગા અને ૪ સિક્સર ફટકારી ધૂંઆધાર બેટિંગ કરી અણનમ રહી ગુડ પરફોર્મન્સ બતાવ્યું હતું.

મૃતક નિમેષ એકદમ ફીટ હતો
મૃતકના સંબંધીએ પ્રિયાંકભાઈએ જણાવ્યું કે નિમેષભાઈની તબિયત સારી હતી અને ફીટ હતા પરંતુ એકાએક જ આજે તેઓ ક્રિકેટ રમવા ગયા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. છાતીમાં દુખાવો થતાં તેઓ ઘરે આવી ગયા હતા જ્યાં તેઓ થોડી વાર રહીને લીંબુ શરબત પીધું હતું. ત્યારબાદ ફરીથી તેમને એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમનું મૃતદેહ ઘરે લઈ આવ્યા હતા. તેઓ મિનરલ વોટર અને પાણીના ટેન્કરનો વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમને બે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.

*** આ પહેલા પણ એક યુવાનનું મોત થયું હતું
ક્રિકેટના મેદાન પર આ પહેલા 26 વર્ષના યુવાન પ્રશાંત ભારોલિયા પણ દમ તોડી ચૂક્યો છે. આ ઘટના 29 જાન્યૂઆરીની છે. કેનેડા જવાનાં સપનાં જોતો, વિઝાની રાહ જોઈ રહેલો યુવાન, અકાળે અવસાન પામ્યો. પ્રશાંત ભારોલિયાના પિતા કાંતિભાઈ ભારોલિયાએ જણાવ્યું કે, ‘તેને કેનેડા સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે મોકલ્યો હતો. કોરોનાના કારણે ત્યાં ઘણું બધું બંધ થઈ ગયું હતું. આ દરમિયાન તેના વિઝા પતી ગયા એટલે તે સુરત પરત ફર્યો હતો. અઢી મહિનાનો તેનો અભ્યાસ કોરોનાના કારણે બાકી રહી ગયો હતો. માસ્ટર્સની એક વિષયની પરીક્ષા પણ આપવાની હતી. એટલે અમે કેનેડાના વિઝા માટે તેની ફાઈલ ફરીથી મૂકી હતી. ફી પણ ભરી દીધી હતી. પરંતુ વિઝા અંગે કોઈ જવાબ આવે એ પહેલાં તો ભગવાનનો આદેશ આવી ગયો. શું કરીએ?’

ભારોલિયાએ કહ્યું કે, ‘પ્રશાંત કેનેડા હતો અને ત્યાર બાદ ભારત પરત આવ્યો, પણ તેને ક્યાંય કોરોના નહોતો થયો પરંતુ, પ્રશાંત કેનેડા હતો, ત્યાં તેણે વેક્સિન લીધી હતી. ત્યાર બાદ એ સુરત પરત ફર્યો. અહિંયાં આવીને પણ તેણે કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હતા. બુસ્ટર ડોઝ લેવા માટે પણ ગયો હતો પણ સ્ટોક ખલાસ થઈ ગયો હતો એટલે પાછો આવ્યો હતો.’ જો કે કેનેડામાં અને ભારતમાં પ્રશાંતે કઈ રસી લીધી હતી, તેનો ખ્યાલ પિતાને નથી. પ્રશાંત દરરોજ સવાર-સાંજ જિમમાં જતો હતો. સવારે બે કલાક, સાંજે બે કલાક કસરત કરતો હતો. ક્રિકેટ મેચ પણ નિયમિત રમતો હતો. રવિવારના દિવસે તો સવારથી સાંજ સુધી ક્રિકેટ રમતો હતો.