ભારતમાં હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતાં છે કે ઘરમાં ચંપલ પહેરવી સારી કહો કે શુભ ગણાતી નથી. સામાન્ય રીતે લોકો ઘરની અંદર સ્લીપર પહેરતા નથી. ઘરની અંદર લક્ષ્મીના નિવાસને ધ્યાનમાં રાખીને ઘરની બહાર શૂઝ અને ચંપલ ઉતારવામાં આવે છે. આ સિવાય મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોની અંદર જૂતા અને ચપ્પલ પર પણ પ્રતિબંધ છે. પરંતુ શું તમે જાણો છો ભારતમાં એક એવું ગામ છે, જ્યાં લોકો ઘરની બહાર પણ ખુલ્લા પગે રહે છે. હા, ભારતના આ ગામ માં લોકો શૂઝ અને ચપ્પલ નથી પહેરતા. જો કોઈ આવું કરે તો તેના માટે સજાની જોગવાઈ છે.

આ અચંબિત પમાડે એવી વાત છે ભારતના તમિલનાડુમાં આવેલા અંદમાન ગામની. આ ગામ રાજ્યની રાજધાની ચેન્નાઈથી લગભગ સાડા ચારસો કિલોમીટર દૂર છે. અહીં લગભગ એકસો ત્રીસ પરિવારો રહે છે, જેમાંથી મોટાભાગના ખેડૂતો છે. તેઓ ગામમાં જ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામના પ્રવેશદ્વાર પર એક મોટું વૃક્ષ છે જ્યાં ઘણા લોકો પૂજા કરે છે. આ જગ્યાએથી પ્રવેશતા જ લોકોએ પગમાંથી જૂતા અને ચપ્પલ ઉતારવા પડે છે. આમ કરવા પાછળ ગ્રામજનોની ધાર્મિક આસ્થા છે.

જે રીતે ભારતમાં ઘણા લોકો ઘરની અંદર સ્લીપર નથી પહેરતા કારણ કે તેઓ ઘરને લક્ષ્મીનો વાસ માને છે, તેવી જ રીતે આ ગામના લોકો સરહદ શરૂ થતાં જ જમીનને ભગવાનનું ઘર માને છે. તડકો ગમે તેટલો ગરમ હોય, રસ્તા પર કોઈ જૂતા પહેરીને ફરતું નથી. લોકો માને છે કે જો તેઓ આવું કરશે તો ભગવાન નારાજ થશે. બહારથી ગામની અંદર કોઈ આવે તો ઝાડ પાછળ, પગરખાં ઉતારીને હાથમાં પકડવા પડે.
ગામ લોકો કહે છે કે તેમનું આખું ગામ એક મંદિર છે. જો કોઈ આ ધાર્મિક સ્થળે ચંપલ પહેરીને આવે છે, તો ભગવાન તેને સજા કરશે. તેને ખૂબ તાવ આવશે અથવા તેને કોઈ રોગ થશે જે મટાડી શકાય તેમ નથી. અહીં રહેતા લગભગ પાંચસો લોકોમાંથી, માત્ર ખૂબ જ વૃદ્ધ લોકોને ઉનાળાની ઋતુમાં બપોરે પગમાં પગરખાં પહેરવાની છૂટ છે. આ સિવાય જો કોઈ આવું કરતા જોવા મળે તો તેને સજા કરવામાં આવે છે. તે પણ ખૂબ કડક. ગામના આ નિયમનું દરેક લોકો પાલન કરે છે.