ગુજરાતમાં એમડી ડ્રગ્સનું દૂષણ ફૂલ્યું ફાલ્યું છે. યુવાધન ડ્રગ્સના બંધાણી થઇ રહ્યું છે. ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે માફિયાઓની પહેલી પસંદ હોવાનું છેલ્લા કેટલાક સમયમાં થયેલી કેસીસને જોતા કહી શકાય એમ છે. ડ્રગ્સ માફિયામાં હેરાફેરી અને વેચાણ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત ATSએ ફેક ઈ-કોમર્સ વેબસાઈટ બનાવી માદક પદાર્થોની હેરાફેરી કરતા રેકેટનો પર્દાફાશ ગત અઠવાડિયે કર્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુરમાં દરોડા પાડીને ગુજરાત ATSએ કુલ 8,28,285નો માદક દ્રવ્યોનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે ATSની તપાસમાં 300થી વધું નબીરાઓ ડ્રગ્સના બંધાણી હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત ATSને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો ફર્જી ઈ-કોમર્સ વેબસાઈટ બનાવી અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાંથી માદક પદાર્થોની હેરાફેરી કરવાનું રેકેટ ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે આ બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસના નાયબ પોલીસ અધિકારી હર્ષ ઉપાધ્યાય, પોલીસ ઈન્સપેક્ટર જે.એન.ચાવડા તથા અમદાવાદ શહેર એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેક્ટર પી.આર.બાંગા અને તેમની ટીમ દ્વારા દરોડો પાડ્યો હતો. બાતમીમાં જણાવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડતા સોહિલ ઉર્ફે સાહિલ જુબેરભાઈ શીરમાન અને બસીત સમાની ધરપકડ કરી હતી.
સોહિલ અને બસીત પાસેથી 19.85 ગ્રામ એમ્ફેટામાઈન, 60.53 ગ્રામ ઓપિઓઈડ ડેરીવેટિવ્ઝ, 321.52 ગ્રામ ચરસ તથા 3.235 કિલોગ્રામ ગાંજો મળી કુલ 3.637 કિ.ગ્રાનો કિંમત રૂ. 8,28,285નો જથ્થો ઝડપાયો હતો. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ATSની તપાસમાં જાણવા મળ્યુ છે કે આરોપીઓ રેવ પાર્ટીનું પણ આયોજન કરતા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પાર્ટી થઇ છે. એટલું જ નહીં 300થી વધુ ધનાઢ્ય પરિવારના સંતાનો સંડોવાયેલા છે. તેમજ સૌરાષ્ટ્રની એક મહિલા મામલતદાર પણ ગ્રાહક હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપીઓની પ્રાથમીક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતુ કે આ આરોપીઓ દ્વારા એક ફર્જી ઈ-કોમર્સ વેબસાઇટ બનાવવામાં આવેલી છે જેના દ્વારા તેઓ માદક પદાર્થોનો ઓર્ડર લેતા હતા. અને આ ઓર્ડર જે તે જગ્યાએ પહોંચાડવા માટે તેઓ કંપનીના કવરનું પાર્સલ બનાવી તેને પ્રાઈવેટ કુરિયર અથવા ટ્રાવેલ્સ દ્વારા મોકલતા હતા. આ રેકેટનો માસ્ટરમાઈન્ડ આકાશ કનુભાઈ વિંઝાવા અમરેલીનો હોવાનું બહાર આવતા ગુજરાત એ.ટી.એસના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન પરમાર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એસ ત્રિવેદીની એક ટીમ રાજુલા ખાતે રવાના કરવામાં આવી હતી જ્યાંથી ગુજરાત ATSની ટીમે આ રેકેટનો માસ્ટરમાઈન્ડ આકાશની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ વિરુદ્ધ ATS ખાતે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.