સુરત,તા.04 ફેબ્રૂઆરી…
ઓનલાઇન વેપાર અને ગેમિંગ માં નાની નાની રકમથી લાખો લોકો પાસે કરોડો રૂપિયાના ઉસેટી લેનારા વધુ એક ભેજાબાજનો પર્દાફાશ ખટોદરા પોલીસે કર્યો હતો. વરાછાના ડેન્ટિસ્ટે બીગ વીનર નામની ગેમ બનાવી તેને પ્લે સ્ટોર પર મૂકી હતી. આ ગેમ રમી લાખો રૂપિયા કમાઓ એવો ઓનલાઇન ભારે પ્રચાર કરાયો હતો. એક વર્ષમાં 1.01 લાખ લોકોએ આ ગેમ ડાઉનલોડ કરી અને સ્પીન વ્હીલ ગેમ રમી હતી. ઓનલાઇન ગેમ રમનારા આ બધાના દાંત ખાટા કરી એક વર્ષમાં પાંચ થી સાત કરોડ ઉસેટી લેનાર ડેન્ટિસ્ટને ખટોદરા પોલીસે પકડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર નાના વરાછા યોગીચોક વિસ્તારમાં રહેતા નવનીત દેવાણી નામના ભેજાબાજે પ્લેટ સ્ટોર ઉપર બિગ વિનર નામની ગેમની એપ્લીકેશન મુકી હતી. સ્પીન વ્હીલ ગેમમાં લાખો રૂપિયા જીતી શકો એવું પ્રલોભન આપતી જાહેરાતો પણ કરાઇ હતી. આ પ્રલોભનમાં લોકોને વિશ્વાસ બેસે એ માટે આ લોકો જીત્યા છે એમ કહી ઘણા યુવકોના ફોટા અપલોડ કરાયા હતાં. વ્હીલ સ્પીન કરવાનું અને સોંય જ્યાં અટલે ત્યાં લખેલી રકમ મળે એ રીતની આ ગેમમાં સંખ્યાબંધ લોકોએ ડાઉનલોડ કરી હતી.

ખટોદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ખટોદરા જાગાણી માતાના મંદિરની બાજુમાં પ્રેસિડન્ટ બિલ્ડિંગમાં પહેલા માળે રહેતા અને ઘર નજીક પંડીત પાન સેન્ટર નામનો પાનનો ગલ્લો ધરાવતા રાજેશકુમાર બુઘીરામ પતરા (ઉ.વ.૨૮)એ પણ આ ગેમ ડાઉનલોડ કરી હતી. રાજેશે મોબાઈલમાં યુ-ટ્યુબમાં બીગ વિનર નામની વિડિયો જોયો હતો. વીડિયોમાં અલગ અલગ લોકોના ફોટા હતા જે ફોટા બીગ વિનર નામની ગેમમાં રૂપિયા જીતેલા હોવાના ફોટા મુકી લોભામમી લાલચ માટે સ્કીમ બતાવવામાં આવા હતી. રાજેશકુમારે પણ આ ગેમ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી ઍપ્લીકેશનમાં રમવા માટે ફોન પે મારફતે 500 ટ્રાન્સફર કર્યા હતા. જાકે રાજેશકુમાર ગેમમાં એક પણ રૂપિયો જીત્યો ન હતો.

આ દરમિયાન રાજેશકુમારે આ ગેમ બાબતે તેના મિત્રોમાં ચર્ચા કરતા ઍવી બહાર આવ્યું હતું કે આ ગેમમાં જીતવા છતાંયે કોઈને રૂપિયા મળતા નથી અને ઘણા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યો છે. બનાવ અંગે રાજેશકુમારને ફરિયાદ નોધાવતા તપાસ શરૂ કરાઇ હતી. જેમાં આ બીગ વિનર ગેમ નવનીત મનસુખ દેવાણી (રહે, શાલીગ્રામ ફ્લોરા, જે. પી. ડાયમંડ સ્કૂલ, નવાગામ કામરેજ. તથા તિરૂપતી સોસાયટી યોગીચોક નાના વરાછા સુરત) નામના વ્યકિતએ બનાવી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરાઇ છે.

ખટોદરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર. કે. ધુળિયાએ જણાવ્યુ હતું કે નવનીત દેવાણી વ્યવસાયે દાંતનો ડોક્ટર છે. તેણે મિત્રો સાથે મળી આ ગેમ ડેવલોપ કરી અને એપ બનાવી હતી. એક વર્ષથી આ ઓનલાઇન ગેમીગ ચાલતું હતું. અત્યાર સુધી આ ગેમ 1,01,470 લોકોએ ડાઉનલોડ કરી અને નાણાં ગુમાવ્યા છે. ડોક્ટર દેવાણીને કોર્ટમાં રજુ બે દિવસના રિમાન્ડ મેળવાયા છે. તેના બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

*** ગેમમાં દરરોજ 10,000 રૂપિયા વકરો
ઇન્સ્પેક્ટર આર. કે. ધૂળીયા એ જણાવ્યું હતું કે દેવાણીએ ગેમમાં એવું સેટિંગ કર્યું હતું કે રમવા માટે પહેલા પાંચ પોઇન્ટ ફ્રી મળતા હતા. ત્યારબાદ યુપીઆઇડી થી નાણાં ટ્રાન્સફર કરી બેલેન્સ એટલે કે પોઇન્ટ લેવાના રહેતાં. આ પોઇન્ટથી ગેમ રમે અને જીતે એ નાણાં રમનારની આઇડીમાં જણા થવા જોઈતા હતાં, જો કે દેવાણીએ અહીં એવો ખેલ કર્યો કે નાણાં તેના જ એકાઉન્ટમાં જમા થઇ જતાં. પ્રાથમિક પૂછપરછમાં દેવાણીએ કહ્યું કે તેને દરરોજ એવરેજ 10,000 રૂપિયા મળતાં હતાં.
*** 100 રૂપિયા ડિપોઝિટમાં 5 સ્પીન મળે
પોલીસના જણાવ્યા અનુસાર ઓનલાઇન ગેમમાં સ્ક્રીન પર દેખાતુ વ્હીલ સ્પીન કરવાનું રહેતું. આ એક સ્પીન માટે 20 રૂપિયા ચાર્જ કરતો, ક્લિક કરાતાં વ્હીલ સ્પીન થાય એટલે કે ફરે છે. આ સ્પીન બંધ થાય ત્યારે સોંય કે એરો જ્યાં હોય એટલી રકમ રમનારને મળતી હતી. આ રકમ શૂન્યથી અઢીસો રૂપિયા જેટલી હતી. રમવાનું આસાન અને જીતી શકાય એ રકમ મોટી હોવાથી ઘણા લોકો પ્રલોભનમાં ફસાયા હતા. આ બીગ વીનર ગેમનું ઓનલાઇન ભારે પ્રમોશન પણ દેવાણી દ્વારા કરાયું હતું.