મહારાષ્ટ્રમાં રાજકીય ધમાલ ચાલી રહી છે. શિવસેનામાં આંતરિક લડાઈ આરપાર ચાલી રહી છે. હવે પાર્ટીની સ્થિતિ ઉદ્ધવની શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદેની શિવસેનાની થઈ ગઈ છે. એકનાથ શિંદેએ ચીફ વ્હિપ તરીકે ભરત ગોગાવલેની નિમણૂક કરી છે અને મુખ્યમંત્રી ઠાકરે દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સુનીલ પ્રભુની નિમણૂંકને ગેરકાયદેસર ગણાવી દીધા છે. શિંદેએ દાવો કર્યો કે અમારી શિવસેના અસલી છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક ઉપર સંબોધન કરતાં જણાવ્યું હતું કે મને મુખ્યમંત્રી પદની લાલસા નથી, ધારાસભ્યો મારી સામે આવીને કહેશે તો હું રાજીનામુ આપવા તૈયાર છું.
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને મોકલેલા પત્રમાં કહ્યુ કે સુનીલ પ્રભુ દ્વારા જે વ્હિપ જારી કરવામાં આવ્યું છે તે કાયદા પ્રમાણે ગેરકાયદેસર છે. શિંદે અસલી શિવસેના ખુદને ગણાવી રહ્યાં છે. 34 શિવસેના ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યુ કે શિવસેના ધારાસભ્ય ભરત ગોગાવલેને શિવસેના ધારાસભ્ય દળના ચીફ વ્હિપ બનાવવામાં આવ્યાં છે. કારણ છે કે સુનીલ પ્રભુ દ્વારા ધારાસભ્યોની આજની બેઠકના સંબંધમાં જારી આદેશ કાયદાકીય રીતે અમાન્ય છે. આ પહેલા એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે તેની તેમની પાસે 46 ધારાસભ્યો છે અને તે અસલી શિવસેના છે. શિંદેએ કહ્યું કે મને બળવાખોર ગણાવવામાં આવી રહ્યાં છે તે ખોટુ છે. અમે બધા લોકો બાલાસાહેબના ભક્ત છીએ, શિવસૈનિક છીએ.

આવા કટોકટી કાળે કોરોના સંક્રમિત થયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધિત કરી હતી. ઠાકરેએ કહ્યું કે હું મારૂ રાજીનામુ આપવા માટે તૈયાર છું. મારી સામે આવો હું મારૂ રાજીનામુ આપી દઈશ. તે રાજીનામુ રાજભવન લઈ જાય, હું ન જઈ શકું કારણ કે મને કોવિડ છે. હું ફરીથી લડીશ. મને કોઈ વાતનો ડર નથી. મારી પાસે તે લોકો માટે પણ બધા જવાબ છે જે કહે છે કે આ બાલાસાહેબની શિવસેના નથી. કેટલાક લોકો કહે છે કે આ બાલાસાહેબની સેના નથી. હું શિવસેના પ્રમુખનું પદ છોડવા માટે પણ તૈયાર છું, પરંતુ જે લોકો મને નથી ઈચ્છતા તેણે સામે આવી વાત કરવી જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું ઈચ્છુ છું કે કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બને. જો કોઈને લાગે છે કે હું મુખ્યમંત્રી ન રહુ તો હું તત્કાલ પદ છોડવા માટે તૈયાર છું. બસ એકવાર આવીને મને મળે અને કહે. હું દરેક શિવસૈનિકને તે કહેવા ઈચ્છુ છું. છેલ્લા અઢી વર્ષમાં મને જે પ્રેમ મળ્યો તે લગભગ ક્યારેય મળ્યો ન હશે.
રાજીનામુ આપવા તૈયાર છુંઃ ઠાકરે ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હું મારૂ રાજીનામુ તૈયાર કરી દઉ છું. એકવાર તે ધારાસભ્યો આવે અને કહે કે તે મને સીએમ પદે જોવા માંગતા નથી. આ મારી કોઈ મજબૂરી નથી. આવા ઘણા પડકારો મેં જોયા છે. અમારી સાથે હજારો શિવસેના કાર્યકર્તા છે. આજે હું કોઈ પડકારથી ડરતો નથી. જેને તેમ લાગે છે કે હું શિવસેનાનું નેતૃત્વ નથી કરી શકતો તો હું શિવસેનાનું પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.
ઠાકરેએ કહ્યુ કે, પાછલા દિવસોમાં અમે રામ મંદિરનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન એકનાથ શિંદે અમારી સાથે હતા. બાલાસાહેબ ઠાકરેના મૃત્યુબાદ અમે 2014ની ચૂંટણી પોતાના દમ પર લડી અને હિન્દુત્વના મુદ્દા પર સફળતા હાસિલ કરી હતી. શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાના બે પાસા છે.