મેદસ્વીતાને મુખ્યત્વે આહાર કહો કે ભોજન સાથે જોડવામાં આવે છે. વજન ઓછું કરવા કહો કે ઘટવાની વાતની શરુઆત ડાયટિંગથી કરાતી આવી છે. જો કે પોષણ સંબંધિત તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અતિશય આહાર મેદસ્વીપણાનું મુખ્ય કારણ હોઈ શકે નહીં. 17 અગ્રણી આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ 13 સપ્ટેમ્બરના રોજ ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયો હતો. એનર્જી બેલેન્સ મોડલ (EBM) ની મર્યાદાઓ અને ખામીઓને જોતા સંશોધન દ્વારા પરિણામોને સમર્થન મળે છે. EBM એ સ્થૂળતા પાછળના સરળ કારણો અને પરિબળોને નિર્ધારિત કરવાની અત્યાર સુધીની સૌથી સામાન્ય અને અસરકારક પદ્ધતિ છે. જો કે, સંશોધકો સૂચવે છે કે કાર્બોહાઇડ્રેટ-ઇન્સ્યુલિન મોડલ (CIM) સ્થૂળતાના કારણો નક્કી કરવા માટે વધુ સારી રીત છે.

એનર્જી બેલેન્સ મોડલ સ્થૂળતાને ઊર્જા સંતુલનમાં ખલેલ તરીકે માને છે પરંતુ ઘણી જૈવિક પદ્ધતિઓને અવગણે છે. તેના સદી જૂના મોડલ મુજબ, જ્યારે આપણે શરીર વાપરે છે તેના કરતાં વધુ ઊર્જા લઈએ ત્યારે વજનમાં વધારો થાય છે. પ્રવૃત્તિ વિનાની જીવનશૈલી, જે રોગચાળાને કારણે આજના યુગમાં ખૂબ જ સામાન્ય છે, તે ઓછામાં ઓછી ઊર્જા વાપરે છે. તેથી જ આપણું શરીર તે વધારાની ઊર્જાને ચરબીના રૂપમાં સંગ્રહિત કરવાનું શરૂ કરે છે.
EBM અમુક મેટાબોલિક પ્રક્રિયાઓનું વર્ણન કરતું નથી જે માનવ શરીર માટે સામાન્ય છે. અભ્યાસ જણાવે છે કે, “તરુણાવસ્થા અથવા લૈંગિક વિકાસની શરૂઆત દરમિયાન, શરીર તેના વપરાશ કરતાં વધુ ઊર્જા મેળવે છે કારણ કે શરીરની ઊર્જા સંગ્રહિત કરવાની ક્ષમતા નોંધપાત્ર રીતે વધે છે. શું વપરાશમાં વધારો વૃદ્ધિ તરફ દોરી જાય છે અથવા વૃદ્ધિ વપરાશમાં વધારો કરે છે?” સંશોધકો કહે છે કે EBM શરીરની ચરબી સંગ્રહ વ્યવસ્થા પર જૈવિક અસરોને સંપૂર્ણપણે અવગણે છે.
લાંબા સમય સુધી, ઉચ્ચ કેલરીવાળા ખોરાક ખાવાને જ સ્થૂળતાનું એકમાત્ર કારણ માનવામાં આવતું હતું. જો કે, તાજેતરના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, “શરીરનું વજન બહુવિધ અવયવો, હોર્મોન્સ અને મેટાબોલિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી જટિલ અને એકબીજા સાથે જોડાયેલી પ્રણાલીઓ દ્વારા નિયંત્રિત થાય છે.” આનો અર્થ એ છે કે વજન વધારવા અથવા ચરબી વધારવા માટે ઘણા પરિબળો કામ કરે છે.

EBM થી વિપરીત, CIM મોડલ સ્થૂળતાના કારણોને ઓળખતી વખતે હોર્મોનલ અને મેટાબોલિક પ્રક્રિયાઓને ધ્યાનમાં લે છે. EBM ની જેમ, તે ખોરાકને ચરબીના સંગ્રહ સાથે પણ જોડે છે. પરંતુ તે નોંધે છે કે વજનમાં વધારો એ ખોરાકની માત્રાનો પ્રશ્ન નથી, પરંતુ તે ખોરાકની રચના વિશે છે. આનું કારણ એ છે કે વિવિધ પ્રકારના ખોરાક શરીરમાં વિવિધ જૈવિક પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે છે. આ અભ્યાસ સૂચવે છે કે સ્થૂળતાના કારણો વિશે અત્યાર સુધીની ધારણા પર પુનર્વિચાર કરવાની જરૂર છે અને સ્થૂળતાના કારણો પર વધુ સંશોધન કરવાની જરૂર છે.