રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ વખતે મુખ્ય મુકાબલો દ્રૌપદી મુર્મુ અને યશવંત સિન્હા વચ્ચે છે. ઓડિશાના પૂર્વ મંત્રી અને ઝારખંડના રાજ્યપાલ રહી ચૂકેલા દ્રૌપદી મુર્મૂ એનડીએના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે જ્યારે યુપીએ અને કેટલાક અન્ય પક્ષોએ મળીને જોઈન્ટ ઉમેદવાર તરીકે પૂર્વ ભાજપ નેતા તથા ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા યશવંત સિન્હાને જોઈન્ટ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. રાષ્ટ્રપતિની આ ચૂંટણીને લઇ એક સાંસદ ભારે અવઢવમાં મૂકાયા છે. પક્ષ ને સમર્થન આપવું કે પિતાને.? એ મુદ્દે તેઓ મનોમન ભારે ગડમથલ અનુભવી રહ્યા છે. તેમની આ સ્થિતિ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય પણ બની છે.
વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હાનો ભાજપ સાથે ઊંડો અને લાંબો સંબંધ રહ્યો છે અને તેમના પુત્ર જયંત સિન્હા, હાલમાં પણ ઝારખંડના હજારીબાગથી લોકસભા સાંસદ છે. પિતા યશવંત સિન્હા અટલ બિહાર વાજપેયી સરકારમાં એનડીએ મંત્રી રહી ચૂક્યા છે તો પુત્ર જયંત સિન્હા મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આવામાં યશવંત સિન્હાને વિપક્ષી દળો દ્વારા ઉમેદવાર જાહેર કરાયા બાદથી જ અટકળો થઈ રહી હતી કે તેમના પુત્ર જયંત સિન્હા હવે શું કરશે? કારણ કે જયંત સિન્હા સાંસદ તરીકે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે પોતાના પિતાને મત આપશે કે પછી પોતાની પાર્ટીને સાથ આપશે?
આ તમામ સવાલના જવાબ જયંત સિન્હાએ લોકોને આ મુદ્દાને કૌટુંબિક મુદ્દો ન બનાવવાની અપીલ કરીને આપ્યો છે. જયંત સિન્હાએ ટ્વિટર પર પોતાનું એક વીડિયો નિવેદન બહાર પાડતા કહ્યું કે વિપક્ષ દ્વારા મારા આદરણીય પિતાજી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદથી જ લોકો અને મીડિયા મને સવાલ કરી રહ્યા છે. હું તમને બધાને અપીલ કરીશ કે હાલ મને તમે એક પુત્ર તરીકે ન જુઓ. તેને એક કોટુંબિક મુદ્દો ન બનાવો.
જયંતે પિતાની જગ્યાએ પાર્ટી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની વાત કરતા વધુમાં કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું અને હજારીબાગથી ભાજપનો સાંસદ છું. હું મારી બંધારણીય જવાબદારીને સમજુ છું અને તેને પૂરેપૂરી રીતે નિભાવીશ. દ્રૌપદી મુર્મૂને એનડીએ ઉમેદવાર બનાવવા માટે પાર્ટી હાઈકમાનનો આભાર વ્યક્ત કરતા તેમણે પોતાની અન્ય ટ્વીટમાં લખ્યું કે દ્રૌપદી મુર્મૂને એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા પર હાર્દિક શુભેચ્છાઓ. તેમનું જીવન સદા જનજાતીય સમાજ તથા ગરીબ કલ્યાણ હેતુ સમર્પિત રહ્યું છે. આ નિર્ણય બદલ પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો હાર્દિક અભિનંદન અને આભાર.
અત્રે વિશેષ રીતે ઉલ્લેખ કરવા થઇ પડે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સાંસદ કે વિધાયક સ્વેચ્છાથી કોઈ પણ ઉમેદવારને મત આપી શકે છે. કારણ કે આ ચૂંટણીમાં રાજકીય પક્ષોનો વ્હિપનો નિયમ લાગૂ થતો નથી.