ગુજરાતમાં દિકરીઓ સુરક્ષિત હોવાના કારાતા દાવા વચ્ચે પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના બની. અહીં શાળાએ જતી દીકરી પણ જીવલેણ હુમલો થયાની ઘટના બની છે. શાળાએ જતી વિદ્યાર્થિનીને હેરાન કરતાં લંપટના તાબે નહીં થતાં તેણે આ હીન કૃ્ત્ય કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
શાળા, કોલેજ, બાગ-બગીચા, શોપિંગ કોમ્પલેક્ષ અને મોલ-મલ્ટિપ્લેકસ આગળ અડિંગો જમાવી બેસતાં લંપટો કેટલા જોખમી છે એ બાબત ઉજાગર કરતી વધુ એક ઘટના પાટણ નગરમાંથી પ્રકાશમાં આવી છે. જાહેર સ્થળોએ ઠેર ઠેર અસામાજિક તત્વોની દાદાગીરી અને ગુંડાગર્દીને કારણે દિકરીઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પાટણમાં શાળાએ જતી દિકરી પર ચાકુ વડે જીવલેણ હુમલો કરાતાં ચકચાર મચી છે.

સૂત્રોના કહેવા અનુસાર ઠાકોર જીવણજી નામનો શખ્સ ઘણાં સમયથી આ વિદ્યાર્થિનીની પાછળ પડ્યો હતો. તે અનેક રીતે તેણીને રંજાડતો હતો. વિદ્યાર્થિની તેનાથી દૂર રહેતી હોય ધીરે ધીરે તે અકળાવા માંડયો હતો. ત્યારબાદ તે હલકી હરકતો અને કોમેન્ટ સાથે બીભત્સ માંગણી કરવા માંડયો હતો. જો કે વિદ્યાર્થિનીએ તેનાથી અંતર જાળવી રાખ્યું હતું. તેણીએ એ યુવકની બધી વાતો નકારી દૂર રહેવા તાકીદ કરી હતી. આનાથી અકળાયેલા જીવણજીએ તેણી ઉપર છરીથી હુમલો કર્યો હતો.

વિદ્યાર્થિનીને પીઠમાં ફરીના ઘા મારી એ લંપટ યુવક ફરાર થઇ ગયો. ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા દિકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આી હતી. વિદ્યાર્થિની ઉપર હુમલાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ સાથે જ આરોપીને સત્વરે ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવાની માગ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યા અનુસાર હુમલાનો ભોગ બનેલી દિકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે વહાણા ગામથી કોઇટા ગામે શાળાએ જઇ રહી હતી તે દરમિયાન આ ઘટના બની. આરોપીએ વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થીનીએ તેનો વિરોધ કર્યો તો આરોપીએ ઉશ્કેરાઇને વિદ્યાર્થીનીના પીઠ પર છરીના ઘા ઝીંકી દીધા. વિદ્યાર્થીનીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ. ઘટનાને પગલે સમાજના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને માથાભારે આરોપીને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી હતી.