પોતાની વિશિષ્ટ શૈલી અને વર્ણનાત્મકતા માટે જાણીતા સંજય લીલા ભણસાળી પીરિયડ ડ્રામા હીરામંડીથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. આઝાદી પૂર્વેના સમયકાળની આ કહાણી રાજાના દરબારમાં રહેલી ગણિકાઓના જીવનની ઝાંખી કરાવે છે. મનિષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા અને અન્યો અભિનિત આ આગામી વેબશોએ અત્યારથી જ તીવ્ર ઉત્કંઠા પેદા કરી દીધી છે.

આ શો વિશે સંજય જણાવે છે, ‘રાજગણિકાઓ દેશના ભાગલા પછીના કાળમાં મોજુદ નથી, પણ આ વાર્તા મારા મગજમાં છેલ્લા ૧૪ વર્ષથી ધરબાયેલી પડી હતી. મારા માટે યક્ષ પ્રશ્ન એ હતો કે જે દુનિયા મેં જોઈ જ નથી તેને હું ન્યાય કેવી રીતે આપી શકીશ? હું કલાકારો પાસેથી કામ કેવી રીતે લઈ શકીશ? પણ મારો અંતરાત્મા મને કહેતો હતો કે હું સાચા રસ્તે છું. મને આ વાર્તા વિશે સકારાત્મક લાગણી થતી હતી. મારે વાસ્તવિક્તા દેખાડવી હતી. મારે તેમના જીવનની ઝાંખી તો કરાવવી જ હતી સાથે તેમનો આક્રોશ પણ દેખાડવો હતો. આવા જ પાત્રોમાં હું સારો નિખાર લાવી શકું છું. આવો પાત્રોની શોધ અને તેના વિશે વાર્તા લખવામાં સારો એવો સમય ગયો. એ સમયે મારું હૃદય પણ ભગ્ન થયું હતું અને તુટેલા હૃદયથી લખાયેલી વાર્તા સારી જ બને છે. મને મારા કામથી મારી લાગણી વ્યક્ત કરવી ગમે છે.’

સંજય આગળ કહે છે, ‘હીરામંડી પ્રેરણા આપતી, પોતાના સન્માન માટે લડતી અને એક ગણિકા માટે સ્વભિમાન શું વસ્તુ છે તે દર્શાવતી મહિલાઓની વાર્તા છે. દેહવ્યવસાય કરતી મહિલા માટે આત્મસન્માન મહત્ત્વનો મુદ્દો હોય છે. ગંગુબાઈ કાઠિયાવાડીનો પણ આ જ થીમ હતો. મહિલા સન્માનની વાતો કરવી આસાન છે પણ એક ફિલ્મસર્જક માટે તેને પડદા પર રજૂ કરવું મુશ્કેલ છે. મેં હમેંશા મહાન ફિલ્મ સર્જકો અને લેખકો પાસેથી પ્રેરણા મેળવી છે. હીરામંડીમાં તમે કમાલ અમરોહીની પાકિઝા (૧૯૭૨)ની પણ કેટલીક ઝલક જોઈ શકશો. ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થનારી હીરામંડીના માધ્યમથી હું મહાન મોગલ-એ-આઝમને અને મહેબૂબ ખાનની મધર ઈન્ડિયાને સલામ કરું છું.’

ભણસાળી કહે છે, ‘હું જ્યારે ગંગુબાઈ બનાવતો હતો ત્યારે પણ લોકો મને આવી મહિલા કેન્દ્રિત ફિલ્મ ન બનાવવાની સલાહ આપતા. ભારતના દર્શકો મહિલા નાયક હોય તેવી ફિલ્મો અપનાવશે નહિ એવું મને કહેવામાં આવ્યું હતું. ઉપરાંત આ ફિલ્મની નાયિકા દેહવ્યવસાય કરતી હતી. પણ ફિલ્મ લોકોને પસંદ આવી. ફિલ્મ સર્જક તરીકે અમારે દર્શકોને નિત નવું પીરસવા તૈયાર રહેવું જોઈએ. મેં હમેંશા પરંપરાથી વિપરીત ચીલો ચાતર્યો છે. પણ હું સફળ રહ્યો છું. ફિલ્મ સર્જકે કાયમ પરિવર્તનના મશાલચી બનવું જોઈએ.’

સંજય કહે છે, ‘મને મોટા બજેટની ફિલ્મ બનાવવાનો આનંદ આવે છે. હીરામંડી મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. મારે કંઈક નવું કરવું હતું. મારે ડિજિટલ મીડિયા સાથે સુસંગત થવા કંઈ વિશેષ કરવાની જરૂર નથી પડી. ફિલ્મ હોય કે વેબ સિરીઝ, તે રચનાત્મક અને રસપ્રદ હોવી જોઈએ. દિગ્દર્શક અને કલાકારોએ દર્શકોને હમેંશા કંઈક નવું આપવાનો પ્રયાસ કરવો જોઈએ. ઓટીટી પર નવું કંઈ કરવાની જરૂર નથી. મેં મારી કારકિર્દીના ૩૦ વર્ષ દરમ્યાન ૧૦ ફિલ્મો બનાવી છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં આ સીરીઝ બનાવી છે. મને એમાં પણ આનંદ મળ્યો છે. હીરામંડીમાં મેં મારી તમામ કુશળતા કામે લગાડી દીધી છે. આ વખતે મારી લાગણી અત્યંત ઊંડી અને વિશેષ હતી. આ વાર્તા મને ૧૪ વર્ષ અગાઉ મળી હતી. આખરે તે ઓટીટી પર રજૂ થઈ રહી છે.’