એન્ટિ એંગ્ઝાયટી (એન્ટિ ડિપ્રેસન્ટ) દવાઓના સેવનથી અનેક લોકોની યાદશક્તિ ક્ષીણ થઇ રહી છે. લોકો વધુ ભૂલકણાં બની રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઇઝેશનના સંશોધનમાં આ તથ્ય સામે આવ્યું હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિધ્ધ કર્યો છે. સંશોધન અનુસાર આ દવાઓનો ઉપયોગ જીવનના જ્ઞાનાત્મક વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. આ દવાઓ મગજના માઇક્રોગ્લિયલ સેલને પ્રભાવિત કરે છે. તેની અસર મગજની સક્રિયતા પર પડે છે. લાખો અમેરિકનો આ દવાઓનું સેવન કરે છે.

સંશોધકોએ જણાવ્યું કે, કોરોનાકાળ બાદ 13 થી 19 વર્ષના અમેરિકન કિશોરોમાં એન્ટિ એંગ્ઝાયટી ડ્રગનો ઉપયોગ 21% સુધી વધી ગયો છે. જેને કારણે તેઓમાં માનસિક સમસ્યાઓનું જોખમ પહેલા કરતાં વધ્યું છે. તે ઉપરાંત લાંબા સમય સુધી તેના સેવનથી ડિમેંશિયા (ભૂલવાની બીમારી) પણ થઇ શકે છે. ટીમે અત્યારે તેનું પરીક્ષણ માત્ર ઉંદરો પર કર્યું છે. પરીક્ષણ દરમિયાન અલગ અલગ દવાઓની અસર એક સમાન રહી હતી.
એએનટીએસઓના વિજ્ઞાની રિસર્ડ બનાટીએ જણાવ્યું કે, મગજમાં અબજો ન્યૂરૉન્સ હોય છે, જેમાં ઇલેક્ટ્રિક ઇમપ્લસ હોય છે. જે કેમિકલ સિગ્નલ તરીકે સૂચના મોકલે છે. માઇક્રોગ્લિયલ સેલ જે મોબાઇલ સેલ હોય છે. તે ન્યૂરૉન અને નૉન ન્યૂરોનલ મેટ્રિક્સથી જોડાયેલી હોય છે. આ મેટ્રિક્સ મગજના નેટવર્કના કામકાજને પ્રભાવિત કરે છે. દવાઓ મગજના ન્યૂરૉન્સની મહત્વપૂર્ણ માઇક્રોગ્લિયલ સેલ પર જ અસર કરે છે.
એન્ટિ એંગ્ઝાયટીના વધુ સેવનથી સેલ ડેમેજ થાય છે
વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, મશીનના વાયર બળી જવાથી મશીન ધીમું કામ કરે છે, પરંતુ વધુ વાયર બળી જવાથી મશીન ખરાબ થઇ જાય છે. એ જ રીતે એન્ટિ એંગ્ઝાયટી ડ્રગ મગજના સેલ્સને ડેમેજ કરે છે. દવાના વધુ સેવનથી સેલ ડેમેજ થાય છે અને વ્યક્તિ ભૂલવા લાગે છે.