ગાંધીનગર : પેથાપુરમાં કોલવડા ગામમાં થયેલી હત્યા કેસમાં પ્રથમ તો દીકરીની છેડતી કરી હોવાથી પત્ની અને દીકરીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પરંતુ અમુક બાબતો પોલીસને પણ વિચારવા મજબૂર કરતી હતી જેથી પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ઘનશ્યામ પટેલ હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.. પ્રેમીને પામવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પત્નીએ પોલીસ સમક્ષ દીકરીની છેડતીનું બહાનું કહીને હત્યા (Pethapur Murder) કરી હોવાનું સ્વીકાર્યું છે પરંતુ તપાસમાં કરોડોની જમીનની લાલચ અને પ્રેમીને પામવાનું ષડ્યંત્ર રચ્યું હોવાનું ખુલ્યું છે. આરોપી સંજય પટેલ અને તેની પત્ની સોનલ પટેલ છે. આરોપી સંજયએ પ્રેમિકા રિશીતાને પામવા તેના પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

હત્યાકાંડ અંગે પોલીસે કરેલી તપાસમાં ઘનશ્યામભાઈની ઇજાઓ જોતા કોઇ બે સ્ત્રીઓથી આવું કૃત્ય ન થઇ શકે તેવી શંકા પોલીસને હતી જેથી પોલીસે વધુ તપાસ કરતા તેમજ આરોપી રિશીતાના સી.ડી.આર. માં અમદાવાદ મોટેરા ખાતે રહેતા સંજય દશરથભાઇ પટેલના સંપર્કો સામે આવ્યા હતા. આ ઉપરાંત સંજય પટેલની સી.ડી.આર. માં તેનું 23 જૂનનું લોકેશન પણ કોલવડા ગામ ખાતે મળી આવ્યું હતું. જેથી પોલીસે સંજય પટેલની પુછપરછ કરી હતી જેમાં સંજય પટેલે ચોકાવનારા ખુલાસાઓ કર્યા હતા.સંજય પટેલ તથા તેની પત્ની સોનલબેન પટેલ અને મૃતક ઘનશ્યામભાઈના પત્ની રિશીતા પટેલ તથા ઘનશ્યામ પટેલની સગીર વયની દિકરી સાથે મળી ઘનશ્યામ પટેલનુ ખુન કર્યા હોવાનું સંજય પટેલે કબૂલ્યું હતું.

હત્યા કેસમાં સમગ્ર હકીકત એવી છે કે સંજય પટેલ અને રિશીતા પટેલ મોઢેરા ખાતે સંજય પટેલની દુધની દુકાન હતી ત્યાં સામ સામે રહેતા હતા. વર્ષોથી એકબીજાના પરીચયમાં હતા અને આજથી દોઢેક વર્ષ પહેલા રિશીતાને તેના પતિ ઘનશ્યામ પટેલ સાથે અણબનાવ થતા કોલવડા છોડી અમદાવાદ ખાતે પોતાની પુત્રી સાથે રહેવા આવી ગઈ હતી. તેના આવ્યા બાદ સંજય પટેલ તથા તેની પત્ની સોનલ પટેલ રિશીતાને મકાનમાં રાખી દેવામા તથા ઘરની નાની-મોટી તમામ જરૂરીયાત માટે મદદ કરતા હતા અને સંજય પટેલ અવાર-નવાર રિશીતાના ઘરે આવતો-જતો હતો. જેથી બંનેને ગાઢ પ્રેમ સબંધ બંધાયો હતો અને બંનેએ કાયમી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જેથી બંને કાવતરું રચ્યું અને કાવતરાના ભાગ રૂપે બનાવના દોઢેક માસ પહેલા ઘનશ્યામ પટેલની સગીર વયની દિકરીને કોલવડા ખાતે મોકલી દીધી હતી અને રિશીતા પોતે બનાવના અઠવાડીયા પહેલા કોલવડા ખાતે રહેવા ગઈ હતી અને દરરોજ ઘેનની દવા પણ ઘનશ્યામ પટેલને આપતી હતી.

જો કે બનાવના ત્રણ દિવસ પહેલા રિશીતાએ સંજય પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે હું ફોન કરુ ત્યારે તમે કોલવડા નજીક આવી જાજો જેથી બનાવના દિવસે સંજય પટેલ તથા તેની પત્ની સોનલ પટેલ કોલવડા ખાતે આવેલા અને નજીકમાં ફોનની રાહ જોતા હતા દરમ્યાન રિશીતાનો ફોન આવતા આ લોકો ધનશ્યામ પટેલના ઘરે પહોંચી ગયેલ અને ઘનશ્યામ પટેલ બહાર સુતો હતો ત્યારે તમામ લોકોએ ઘનશ્યામ પટેલને લોખંડના દસ્તા તથા કટર વડે ગંભીર ઇજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો અને હાથ પગ પકડી રાખી તથા મોઢું પણ દબાવી દીધું હતું.
આ સમગ્ર હત્યાનો ગુન્હો રિશીતા પોતે પોતાની માથે લઇ લેશે એ શરતે સંજય પટેલ તથા સોનલ પટેલે મદદ કરેલી અને બનાવનું કારણ પણ દિકરીની છેડતીનું આપવાનું નક્કી કર્યું હતુ. ખરેખર મર્ડર રિશીતા તથા સંજય પટેલે સાથે રહેવુ હોય તેમજ ઘનશ્યામ પટેલ કોલવડામાં જમીન ધરાવતો હોય જે જમીન કિંમતી હોય તે ઘનશ્યામના નહીં રહેવાથી રિશીતાને મળે તેમ હોય તે જમીનની લાલચમાં તથા અનૈતિક સંબંધોની લાલચમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.