સુરત, તા.20
ચીટિંગના ગુનામાં પકડવા આવેલી પોરબંદર પોલીસ પર ઇચ્છાપોરમાં હુમલો કરી ભાગેલા નામચીન ફૂલવાણી બંધુઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. સતત પીછો કરતી પોલીસના હાથમાંથી તેઓ બે વખત સરકી ગયા હતાં. રાતે વકીલને મળવા રાંદેરરોડ ગયા અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી અનુસાર પાલમાં ગૌરવપથ રોડ પર નક્ષત્ર એમ્બેસી એપાર્ટમેન્ટમાં રહેતો મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફૂલવાણી સામે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં એંસી લાખથી વધુની ચીટિંગની ફરીયાદ નોંધાય હતો. આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઇ કે. એ. સાવલિયા તેમની ટીમ સાથે સુરત આવ્યા હતાં. અહીં ઘર નજીક વોચ દરમિયાન એવી માહિતી મળી હતી કે મંગેશ ઘરે આવતો નથી, પરંતુ તેના ભાઈ યોગેશ ફૂલવાણીના ઇચ્છાપોરમાં આવેલ આરજેડી ટેક્સટાઇલ નામની ફેક્ટરીમાં રાતે આવીને સંતાઇને રહે છે. આ માહિતીના આધારે પોરબંદર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.

ઇચ્છાપોરની ફેક્ટરીએ પહોંચેલી પોલીસને મંગેશ મળી આવ્યો હતો. પોલીસે તેને પકડવાની કોશિશ કરી એટલે તેણે બૂમાબૂમ કરી હતી. એ સાંભળી તેનો ભાઈ યોગેશ તથા બીજા માણસો દોડી આવ્યા હતાં. ટોળું એકઠું થતાં મંગેશ અને યોગેશે પોલીસ સાથે ઝપાઝપી કરવા માંડી હતી. પીએસઆઇ સાલવિયાએ મંગેશને પકડ્યો તો યોગેશે તેમને ફટકા માર્યા હતા. આ સાથે જ બંને ભાઈઓએ ફેક્ટરીના કાર્યકરોને ઉશ્કેરી હુમલો કરાવ્યો હતો.

પીએસઆઇ સાવલિયા અને ડ્રાઇવર દેવેન્દ્રસિંહ જાડેજા એમ બે જણાને લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા. મંગેશ અને તેની સાથેનો શખ્સ કારમાં ભાગ્યા તો યોગેશ અને કારીગરો ફેક્ટરીની પાછળ અંધારામાં ફરાર થઇ ગયા હતા. પોલીસ પાર્ટી પર હુમલો કરવા અંગે મંગેશ અને યોગેશ ફૂલવાણી તથા તેમના કારીગરો સામે ઇચ્છાપોર પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.

પોરબંદર પોલીસ પર હુમલાની આ ઘટના બાદ ઇચ્છાપોર પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઇ ગઇ હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે રાંદેર રોડ પર તાડવાડી વિસ્તારમાંથી મંગેશ અને યોગેશ જીવતરામ ફૂલવાણીને ઝડપી લેવાયા હતા. આ બંને ભાઈઓ પોરબંદર ઉપરાંત ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા.
*** મંગેશ ફૂલવાણી સામે 10 ગુનાઓ
પોરબંદર પોલીસ પર હુમલાના કારણે ફરી ચર્ચામાં આવેલો મંગેશ મહાઠગ છે. તે કેમિકલના વેપારી તરીકે પોતાની ઓળખ આપે છે. પાર્ટી પાસે પૈસા લઇ માલ રવાના થઇ ગયા સુધીના ડોક્યુમેન્ટ મોકલતો, પ્રોસીજર કરતો હતો. જો કે માલ પાર્ટી સુધી પહોંચાડતો ન હતો. તેની સામે અડાજણમાં બે, પુણામાં એક, જહાંગીરપુરા, રાંદેર, કીમ, હજીરા પોલીસ મથક ઉપરાંત મહારાષ્ટ્રના ધુલિયામાં ચીટીંગના ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ત્રણ ગુનાઓમાં તે વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બંનેને પોલીસ પર હુમલાના કેસની તપાસ માટે ઇચ્છાપોર પોલીસના હવાલે કર્યા છે.