સુરત, 10 જુલાઇ
સુરત, નવસારી અને ભરુચમાં લાંબી ફરજ બજાવનારા અને હાલ વડોદરામાં ડીવાયએસપી તરીકે નિયુક્ત બી. એમ. પરમાર સામે મહિલા પીએસાઇ અને કર્મચારીઓની શાબ્દિક છેડતી, સતામણી, અશ્લીલ અઘટિત માંગણીઓ કરવા અંગે ગુનો નોંધાયો છે. આ ફરિયાદ ભરુચના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. માર્ચ 2021માં પરમાર ભરૂચમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ ઉપર હતાં ત્યારે તેમણે તેમના તાબા હેઠળના મહિલા કર્મચારીઓની જાતીય સતામણી કર્યાનો સંગીન આરોપ ફરિયાદમાં લગાવાયો છે.
મળતી માહિતી અનુસાર આદિજાતી વિકાસ સેલના વિજીલન્સ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભરત એમ પરમાર વધું એક વખત વિવાદમાં સપડાયા છે. આ વિવાદ મહિલા કર્મચારીઓ સાથે દ્વિઅર્થી અશ્લીલ વાતો કરવા અને અઘટિત માંગણી કરવા અંગેનો છે. પરમાર સામે ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં વુમન પોલીસ સબ ઇન્સપેક્ટરે નોંધાવી છે. લેડીપીએસઆઇએ આપેલી ફરિયાદ અનુસાર માર્ચ 2021માં ભરત પરમાર અહીં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. એ દરમિયાન તેમણે આ મહિલા PSIને પોતાની ચેમ્બરમાં બોલાવી હતી.
પરમારે તેમના તાબામાં ફરજ બજાવતી યુવાન PSIને સાથે ફ્લર્ટિંગ કરવા માંડ્યું હતું. તેમણે તેણીને કલાકો સુધી પોતાની ચેમ્બરમાં બેસાડી રાખી હતી. આ દરમિાયન પરમાર ચિત્ર વિચિત્ર નજરે તેણીને ઘૂરતાં રહ્યા હતાં. છાતીના ભાગે ઘૂરી ઘૂરીને જોવા દરમિયાન પરમારે તેણીને કહ્યું કે શુ ચાલે છે ડિયર, તમે એકલા જ છો ને, હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળીએ. અમને પણ લાભ આપો. બહું મજા આવશે. આ રીતે પરમારે લેડી PSIને એકલામાં મળવા, મૂલાકાત ગોઠવવા માટે કહી માનસિક ત્રાસ આપ્યો હતો. દુર્વ્યવહાર સાથે સતામણી કરી હતી.
લેડી PSIએ આપેલી ફરિયાદમાં વધું ગંભીર આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે પરમારે આવું અશ્લીલ બિભત્સ વર્તન માત્ર તેણી સાથે જ નહીં, અન્ય એક લેડી PSI અને ત્રણેક મહિલા કર્મચારી સાથે પણ કર્યું હતું. આ તમામને ચેમ્બરમાં બોલાવી કલાકો સુધી ઉભી રાખી પરમાર દ્વિઅર્થી વાતો કરતાં હતાં. તેઓ પાસે અઘટિત માંગણીઓ કરતાં હતાં. આ ફરિયાદ મામલે ઇપીકો કલમ 509, 354, 354(એ), 354(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ડીવાયએસપી ચિરાગ દેસાઇને સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરત પરમાર સુરત શહેરમાં રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતાં હતાં ત્યારે પણ આ પ્રકારના વિવાદમાં ફસાયા હતાં. એ સમયે સામેનું પાત્ર સ્પા ચલાવનાર યુવતી હતી. એ યુવતી સાથે લાડ લડાવવાના ચક્કરમાં ભરત પરમાર એવા ચકરાવે ચઢ્યા કે મામલો થાળે પાડતાં પરસેવો વળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ બેડામાં વર્તમાન સમયે પણ આવા ઇન્સપેક્ટ છે જ. છેવાડાના પોલીસ મથકના એક ઇન્સપેક્ટર સામે તો ફરિયાદો ઉઠવા છતાં તેઓ બચવામાં સફળ રહ્યા હતાં. જયારે અન્સ એક ઇન્સપેક્ટર સ્પા શોખીન હોવાની ચર્ચા બંધ મોઢે આખા પોલીસ બેડામાં ચાલતી આવી છે.