સુરત, તા.23 ફેબ્રૂઆરી…
શ્રવણ તીર્થના નામે સિનિયર સિટીઝન્સ ને ધાર્મિક તીર્થ યાત્રા કરાવવાનું કહી વયસ્કો સાથે છેતરપિંડી કરનારા લુણાગરિયા પિતા-પુત્ર સામે જુદા જુદા પોલીસ મથકોમાં 8 ફરિયાદ નોંધાવાઇ હતી. આ બે પૈકી અશોક લુણાગરિયાને ખટોદરા પોલીસે ઝડપી કરેલી તપાસમાં ચિટિંગનો માસ્ટર માઇન્ડ કતારગામમાં ઓફિસ ધરાવતી આશ્રૂતા ડાંગરિયા હોવાનું બહાર આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ તપાસમાં શહેરમાં 2000થી વધું શ્રદ્ધાળુઓ પાસે પચાસ લાખથી વધુ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કામરેજમાં દાદા ભગવાન મંદિર પાસે સ્વપ્ન વિલા સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે અજય લુણાગરિયા અને તેની માતા જયેશ્રી ધાર્મિક તીર્થ યાત્રાનું આયોજન કરે છે. જયેશ્રી લુણાગરિયા પોતાને ભાજપના કાર્યકર તરીકે ઓળખાવી શ્રવણ તીર્થ નામથી વયસ્કોને યાત્રા કરાવતી હોવાનું જણાવે છે. આ લુણાગરિયા માતા પૂત્રએ શહેરના સેંકડો વ્યસ્કો પાસે હરિદ્વાર, મથુરા, ઋષિકેષ, આગ્રા, દિલ્હી વિગેરે સ્થળોના પ્રવાસના નામે લાખોનું ચિટિંગ કર્યું છે. આ બંને સામે રાંદેર, અઠવાલાઇન્સ, કાપોદ્રા, ખટોદરા, ઉધના, પાંડેસરા અને કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ઉપરા છાપરી ગુનાઓ નોંધાતા શહેરભરમાં આ પ્રકરણ ચકચારી બન્યું હતું.

ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલી 41 વ્યક્તિઓ સાથે 1.23 લાખનું ચીટિંગની ફરિયાદને ઇન્સપેક્ટર આર. કે. ધુળીયાની ટીમે ગંભીરતાથી લીધી અને ટેકનીકલ સર્વેલન્સ સાથે હ્યુમન રિસોર્સિસ કામે લગાવી આ ઉઠમણામાં અશોક ઉર્ફે અજય રાજેન્દ્ર લુણાગરિયાને ઉધના દરવાજા વિસ્તારમાંથી 18મી ફેબ્રૂઆરીએ પાડ્યો હતો. અનેક બીમારીઓથી પીડાતા અશોકની સારવાર સાથે પૂછપરછ પણ કરાઇ હતી. આ તપાસમાં એલો ખુલાસો થયો હતો કે અજય અને તેની માતા જયશ્રી તો માત્ર બુકિંગ એજન્ટ હતાં. તેઓ યાત્રાએ જવા ઇચ્છુંક લોકોને શોધતા, તેમની સાથે મિટિંગ કરી ફી ઉઘરાવતાં હતાં.

આ ફી તેઓ કતારગામમાં ઓફિસ ધરાવતી અશ્રૂતા પ્રવીણ ડાંગરિયાને આપતાં હતાં. ટુર ઓપરેટર તો આ અશ્રૂતા જ હતી. તેણે જ ટુર પ્લાનિંગમાં લોચો માર્યો હતો. તપાસમાં આ વાત બહાર આવતા પોલીસે અશ્રૂતા ડાંગરિયાએ શોધી કાઢી હતી. મોટા વરાછાની વાલકેશ્વર સોસાયટીમાં રહેતી અશ્રૂતા કતારગામમાં ઓફિસ ધરાવે છે.

ડાંગરિયા ટુર એન્ડ ટ્રાવેલ્સનું મોટુ કામ કરે છે. પોલીસે ડાંગરિયાના રિમાન્ડ મેળવી ટુર આયોજનના નામે પડાવાયેલી રકમ પૈકી 1.53 લાખ તથા ગુનામાં વપરાયેલો 50 હજારનો આઇફોન પણ કબજે લીધો હતો. તપાસમાં બહાર આવી રહેલી માહિતી અનુસાર તીર્થ યાત્રાના નામે 2000 જેટલા શ્રધ્ધાળુંઓ પાસે 50 લાખથી વધુ રૂપિયા ઉઘરાવાયા હોવાની અંદાજ માંડી શકાય એમ છે. ડાંગરિયાએ મહત્તમ બુકિંગ લાવનારને દુબઇ ટુરનું પ્રલોભન આપ્યાની વાત પણ બહાર આવી રહી છે. લુણાગરિયા માતા પૂત્ર સિવાય પણ તેણીના એજન્ટ હોવાની શક્યતાં નકારી શકાતી નથી.