જો તમને પણ ઓનલાઈન ગેઈમ્સ કે હોર્સ રેસિંગ રમવાનો શોખ હોય અને કેસિનોમાં પૈસા લગાવવાનો શોખ હોય તો આ શોખને પણ મોંઘવારીનો માર પડી શકે છે. જીએસટી કાઉન્સિલ બુધવારે આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આ સપ્તાહે યોજાનારી GSTની સર્વોચ્ચ સંસ્થા GST કાઉન્સિલની બેઠકમાં ઑનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદવાની દરખાસ્ત પર ચર્ચા થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું કે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની આગેવાની હેઠળના પ્રધાનોના જૂથ (GoM) દ્વારા સુપરત કરાયેલા અહેવાલ પર ચંદીગઢમાં 28-29 જૂને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં વિચારણા થઈ શકે છે. GOM એ તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે ઓનલાઈન ગેમિંગના કુલ મૂલ્ય પર ટેક્સ લગાવવો જોઈએ, જેમાં ગેમમાં ભાગ લેવા માટે ખેલાડી દ્વારા ચૂકવવામાં આવતી એન્ટ્રી ફીનો સમાવેશ થાય છે.
ગેમિંગ સિવાય, જો તમને હોર્સ રેસિંગનો શોખ હોય અને કેસિનોમાં પૈસાનું રોકાણ કરો તો તે મોંઘું પણ હોઈ શકે છે. હોર્સ રેસિંગના કિસ્સામાં, જીઓએમએ સૂચન કર્યું છે કે દાવ લગાવવા માટે જમા કરવામાં આવેલી સંપૂર્ણ રકમ પર GST વસૂલવામાં આવે. કેસિનો અંગે, GOM એ જણાવ્યું છે કે કેસિનોમાંથી ખેલાડી દ્વારા ખરીદેલ ચિપ્સ/સિક્કાની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે. આ સાથે, જીઓએમએ કેસિનોમાં પ્રવેશ ફી પર 28 ટકા GST લાદવાની ભલામણ પણ કરી છે.
ગયા વર્ષે મે મહિનામાં, સરકારે કેસિનો, ઓનલાઈન ગેમિંગ પોર્ટલ અને હોર્સ રેસિંગ પર જીએસટીના મૂલ્યાંકન માટે મંત્રીઓની એક સમિતિની રચના કરી હતી. હાલમાં, કેસિનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગની સેવાઓ પર 18 ટકાના દરે GST લાગે છે. AMRG એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકા ટેક્સ આ સેવાઓને પાન મસાલા, તમાકુ અને આલ્કોહોલની સમકક્ષ લાવશે, જેને ખરાબ માનવામાં આવે છે.
ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર વેલ્યુ એડને બદલે ગ્રોસ રેવન્યુ પર ટેક્સ લગાવવો એ વૈશ્વિક ટેક્સ વ્યવસ્થાને અનુરૂપ નથી. તેમણે કહ્યું કે આનાથી અમુક સમય માટે આવકમાં વધારો થઈ શકે છે પરંતુ લાંબા ગાળે મોટા પાયે કાળું નાણું જનરેટ થવાની સંભાવના છે કારણ કે તેનાથી કરચોરી માટે અસંગઠિત ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.