નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના લોકાભિમુખ વહીવટ કહો કે શાસનના કારણે લોકપ્રિય બન્યા છે. આફતના સમયે તેમની નિર્ણય ક્ષમતાં અને કાર્યદક્ષતાં વધુ ખીલે છે. કોરોના કાળ દરમિયાન દેશ જ નહીં આખી દુનિયાને તેનો પરિચય થયો. કોરોનાકાળ દરમિયાનની સરકારની નિતી રિતીના ચોમેરથી વખાણ થયા હતાં. હવે વડાપ્રધાન મોદી 30મી મેના રોજ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળના લાભો જાહેર કરશે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારા શાળાના બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરશે. આ દરમિયાન આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાળકોને હેલ્થ કાર્ડની પાસબુક આપવામાં આવશે.
આ યોજના દ્વારા અનાથ બાળકોને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવા અને 23 વર્ષની ઉંમર સુધી આર્થિક સહાયથી આત્મનિર્ભર બનાવવાના છે. જિલ્લા બાળ સુરક્ષા એકમો અને નાગરિક સમાજના સભ્યોની મદદથી ડેપ્યુટી કમિશનરો દ્વારા આ યોજના માટે બાળકોની ઓળખ કરવામાં આવી છે. આ બાળકોના માતા-પિતાના મૃત્યુના કારણની યોગ્ય ચકાસણી કર્યા બાદ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન પોર્ટલ પર વિગતો અપલોડ કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ, પોસ્ટ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા, શિક્ષણ, આરોગ્ય વગેરે વિભાગો સાથે મળીને યોજનાના અમલીકરણ માટે નોડલ વિભાગ છે અને જિલ્લા કક્ષાએ નાયબ કમિશનર નોડલ ઓથોરિટી છે.
યોજના હેઠળ આપવામાં આવતા 10 લાખ રૂપિયા બાળકોના ખાતામાં હપ્તામાં જમા કરવામાં આવશે. દરેક વય અને વર્ગ પ્રમાણે હપ્તો નક્કી કરવામાં આવ્યો છે. 18 વર્ષની ઉંમરે આખી રકમ ખાતામાં જમા કરાવ્યા પછી, રકમ બાળકના નામે રોકાણ કરવામાં આવશે અને 23 વર્ષની ઉંમર સુધી બાળકને તેના ખર્ચને પહોંચી વળવા માટે દર મહિને નક્કી કરવામાં આવેલી રકમ આપવામાં આવશે.