મુંબઇ : બેન્કમાં ગીરવે રાખવામાં આવેલું 10 તોલા સોનું ગાયબ થવા અને પોલીસ દ્વારા તેને રિકવર કરવાનો ફિલ્મી સ્ટોરી પણ ટકકર મારે એવો કિસ્સો મહારાષ્ટ્રના ડીંડોશી પંથકમાંથી પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલાનું 10 તોલા સોનું ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે પોલીસ પાસે મદદ માંગી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખૂબ જ ફિલ્મી અંદાજમાં આ કેસમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા હતા. જો કે હવે ખૂબ જ રસપ્રદ રીતે પોલીસે સોનું રિકવર કરી લીધું છે, જેના કારણે સમગ્ર દેશમાં આ કેસની ચર્ચા થઇ રહી છે.
વાસ્તવમાં ડિંડોશી પોલીસ સ્ટેશન હેઠળ રહેતી સુંદરી પ્લાનિબેલે ઘણાં લોકોને પૈસા આપવાના હતાં. ઘરેલુ જરુરિયાતો અને આકસ્મિક સંજોગોના કારણે દેવાદાર બની ગયેલી સુંદરીએ ઘરમાં રહેલું સોનું બેંકમાં ગીરવે મૂકવાનો વિચાર કર્યો. પોતાની બેગમાં સોનું લઈને તે ઘરની બહાર નીકળી હતી, જેની સાથે તેણે બ્રેડ પણ રાખી હતી. આ દરમિયાન રસ્તામાં રમી રહેલા બાળકોને બ્રેડ સમજીને ભૂલથી સોનું ભરેલું થેલી આપી દીધી હતી.
જ્યારે તે બેંક પાસે પહોંચી તો તેણે જોયું કે તેની બેગમાં સોનું નથી. આ પછી તેને ધ્રાસકો પડ્યો હતો અને તેણે મગજ કસ્યું, ઉંડો વિચાર કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તેણે સોનું ભરેલી બેગ તો પેલા બાળકોને આપી હતી અને આ અહેસાસ થતાં જ તે હાંફળી-ફાંફળી દોડતી બેન્કથી સીધી એ બાળકો રમતાં હતાં ત્યાં પહોંચી હતી. સુંદરી પહોંચી ત્યારે પરં બાળકો જોવા મળ્યાં નહોતા આથી તે પોલીસ સ્ટેશન દોડી હતી. પહેલા તો પોલીસને સુંદરીની વાત ઉપર ભરોસો બેઠો ન હતો. જો તેણીએ કાકલૂદી કરી આખી સ્થિતિ સમજાવી ત્યારે પોલીસને સ્થિતિની ગંભીરતાંનો ખ્યાલ આવ્યો.
પોલીસે તુરંત ફરિયાદ દાખલ કરી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીની મદદથી બાળકોને શોધી કાઢ્યાં હતા અને તેમને બેગ અંગે પૂછપરછ કરી હતી, બાળકોએ કહયું કે અમે થેલી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. પોલીસ ઝડપથી ત્યાં પહોંચી અને કચરાના ઢગલાને ફેંદવા માંડ્યો હતો. ત્યાં દાગીના ભરેલી થેલી મળી ન હતી, પોલીસે ફરી ટેકનોલોજીની મદદ લીધી હતી. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતાં જાણવા મળ્યું કે, ત્યાં હાજર ઉંદરોએ બ્રેડ ખાધી હતી અને સોનું ભરેલી થેલી લઈને ગટરમાં જતા રહ્યાં હતા. પોલીસની ટીમે ઉંદરનો પીછો કર્યો, જેના પર તેમને ગટરની અંદર એક બેગ મળી, જેમાં મહિલાના તમામ દાગીના હતા. કાનૂની કાર્યવાહી પૂરી કર્યા બાદ તેમનું સોનું તેમને પરત આપવામાં આવ્યું હતું. જે બાદ મહિલાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.